વડોદરામાં VMC ફૂડ સેફ્ટી વિભાગનો સપાટો, 44 કિલો અખાદ્ય બિરયાની-સમોસાનો નાશ કરાયો

આરોગ્ય વિભાગના ફૂડ સેફટી વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરાયું

MailVadodara.com - VMC-Food-Safety-Department-raids-in-Vadodara-44-kg-of-inedible-biryani-samosa-destroyed

- લાયસન્સ વગર ચાલતી 11 દુકાનો અને લારીઓ બંધ કરાવી, રેસ્ટોરન્ટો અને દુકાનો દ્વારા શિડ્યુલ 4 મુજબ સ્વચ્છતા જાળવવામાં આવી ન હોવાથી ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો


વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની હોટલો, ચા-નાસ્તાની દુકાનો, તેમજ ખાણીપીણીની લારીઓ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અખાદ્ય જણાઇ આવેલા 44 કિલો બિરયાની, સમોસા, સમોસાનો માવો, સમોસાની ચટણી, બટાકા પૌવા અને પેપર પસ્તીનો નાશ કરાયો હતો. આ ઉપરાંત લાયસન્સ વગર ચાલતી 11 દુકાનો અને લારીઓ બંધ કરાવી હતી.


પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સંભવિત ફાટી નિકળતો ઋતુજન્ય રોગચાળો અને આગામી આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યએ હોટલો, મિઠાઇ, ફરસાણ તેમજ ખાણીપીણીની લારી એસોસિએશન સાથે બેઠક કરી હતી. જેમાં સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ચિજવસ્તુઓનું વેચાણ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. દરમિયાન આજે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની આજે બે ટીમો દ્વારા શહેરના ડભોઈ રોડ સોમા તળાવ પાસે હોટલ, રેસ્ટોરન્ટ, ચ્હા નાસ્તાની દુકાનો તેમજ ઇલોરાપાર્ક વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.


ડભોઇ રોડ સોમા તળાવ વિસ્તારમાં ચેકિંગ કરનાર ટીમના અધિકારી જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ડભોઈ રોડ સોમા તળાવ પાસે તેમજ પ્રતાપ નગર વિસ્તારમાં લજ્જા દમ બિરીયાની, ગાયત્રી ખમણ, ખેતલા આપા ટી સ્ટોલ, ખેતલીયા ટી સ્ટોલ, રજવાડી ટી સ્ટોલ સહિત દુકાનો અને હોટલોમા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેજ રીતે અધિકારી પી.એમ. ભાવસારની ટીમ દ્વારા ઇલોરા પાર્ક સર્કલ વિસ્તાર, ઇન ઓર્બિટ સામેની 26 લારીઓ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ બંને વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 44 કિલો બિરયાની, 10 કિલો સમોસા અને ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ રેસ્ટોરન્ટો અને દુકાનો દ્વારા શિડ્યુલ 4 મુજબ સ્વચ્છતા જાળવવામાં આવી ન હોવાથી ખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઇસન્સ વગર ચાલતી 11 લારીઓ અને દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

Share :

Leave a Comments