- પાસના તગડા નાણાં ચૂકવ્યા બાદ પણ પાયાની સુવિધા ન મળતાં લોકોનો આક્રોશ
વડોદરાના પ્રખ્યાત LVP હેરિટેજ ગરબામાં વાહન પાર્કિંગની નબળી વ્યવસ્થાને કારણે ખેલૈયાઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો છે. ગરબાના સ્થળે આવેલા ગેટ નંબર 4 પર પાર્કિંગ ન મળતા ખેલૈયાઓને મુશ્કેલી ભોગવવી પડી હતી. ટ્રાફિક અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થળ પર મોટો હોબાળો મચી ગયો હતો. પાસના તગડા નાણાં ચૂકવ્યા બાદ પણ પાયાની સુવિધા ન મળતાં લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ગરબામાં આવતા ખેલૈયાઓએ આયોજકો સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે, પાસ માટે મોટી રકમ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે સુવિધા શૂન્ય છે. મોંઘા પાસ વેચતા આયોજકો ખેલૈયાઓની અગવડ અંગે ક્યારે ગંભીરતાથી વિચારશે તેવો સવાલ તેમણે કર્યો હતો. મેદાનમાં પ્રવેશતી વખતે ક્રિકેટ સ્ટેડિયમ જેવી જટિલ અને અવ્યવસ્થિત સ્થિતિ સર્જાતા આખી પાર્કિંગ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ખેલૈયાઓને ગરબા રમવા આવતી વખતે દરરોજ પાર્કિંગ માટે કેમ પરેશાન થવું પડે છે તે અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેલૈયાઓ માંગ કરી રહ્યા છે કે આયોજકો દ્વારા ત્વરિત પગલાં ભરીને પાર્કિંગની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. આ સમગ્ર મુશ્કેલીઓ અંગે LVP હેરિટેજ ગરબાના આયોજકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.


