કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં ગ્રીન પાણી અને ગંદકીથી ત્રસ્ત થઇ ગયેલા સ્વિમરોનો હોબાળો

સ્વિમરોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્ર દોડતું થયું

MailVadodara.com - Uproar-among-swimmers-upset-by-green-water-and-dirt-in-Karelibaug-swimming-pool

- સ્વિમિંગ પુલમાં ફિલ્ટરેશન મોટર કાર્યરત ન હોવાના કારણે પાણી ગ્રીન થઈ ગયું છે, ક્લોરિન છોડાતું નથી, દૂષિત પાણી થઇ જવાના કારણે ચામડીના રોગની ભીતિ : સ્વિમરોનો આક્ષેપ

વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત કારેલીબાગ ખાતે આવેલ સ્વિમિંગ પૂલમાં ગ્રીન પાણી અને ગંદકીથી ત્રસ્ત થઇ ગયેલા સ્વિમરોએ આજે વિરોધ પ્રદર્શન કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. સ્વિમરોએ સ્વિમિંગ પુલમાં ગ્રીન પાણી અને ગંદકીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્ર દોડતું થયું હતું. આ અંગે પાલિકાના ટુરિસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, બે ફિલ્ટરેશન મોટર પૈકી એક મોટર ખરાબ થઇ જવાના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. આજે સાંજ સુધીમાં સ્વિમિંગ પુલના પાણી અને ગંદકીનો પ્રશ્ન હલ થઇ જશે.


ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરમાં ચાર સ્વિમિંગ પુલ આવેલા છે. જેમાં કારેલીબાગ, લાલબાગ, વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગપુલ તેમજ સરદાર બાગ ખાતે સ્વિમિંગ પુલ આવેલા છે. આ ચાર સ્વિમિંગપુલ પૈકી કારેલીબાગ સ્વિમિંગ પુલમાં ગુરૂવાર સાંજથી બે ફિલ્ટરેશન મોટર પૈકી એક મોટરનું વાઇન્ડીગ બળી જવાના કારણે સ્વિમિંગ પૂલના પાણી ગ્રીન થઈ ગયું હતું. જેના કારણે આજે સવારે સ્વિમિંગ માટે આવેલા ખાસ કરીને સિનિયર સિટીઝન દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેઓએ સ્વિમિંગ પુલના પાણી ગ્રીન થવા સાથે ગંદકીના પણ આક્ષેપો કર્યા હતા.

સ્વિમરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્વિમિંગ પુલમાં ફિલ્ટરેશન મોટર કાર્યરત ન હોવાના કારણે પાણી ગ્રીન થઈ ગયું છે. ક્લોરિન છોડવામાં આવતું નથી. દૂષિત પાણી થઇ જવાના કારણે ચામડીના રોગની પણ ભીતિ સેવાઇ રહી છે. આ ઉપરાંત સ્વીમીંગ પુલની આસપાસ તેમજ શાવર રૂમમાં યોગ્ય સફાઈના અભાવના કારણે ગંદકી થઈ ગઈ છે. આ અંગે અવારનવાર સ્વિમિંગ પુલના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.


સ્વિમર મહિલાઓએ જણાવ્યું હતું કે સ્વિમિંગ પુલનું પાણી દૂષિત થઇ જવાના કારણે નાણું દુર્ગંધ મારી રહ્યું છે. પાણીમાં જીવાતો પણ હોય છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે સવારે અમે સ્વિમિંગ માટે આવ્યા ત્યારે પાણી દુર્ગંધ મારતું હોવાથી સ્વિમિંગ કરી શક્યા નથી. આ ઉપરાંત સ્વિમિંગ પુલની આસપાસમાં પણ ભારે ગંદકી હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ અંગે પાલિકાના ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન સંચાલિત ચાર સ્વિમિંગ પુલો પૈકી કારેલીબાગ સ્વિમિંગ પુલમાં બે ફિલ્ટરેશન મોટરો છે. આ બે મોટર પૈકી એક મોટરનું વાયડીંગ ખરાબ થઈ જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે. જે એક મોટર કાર્યરત છે તેને બે બે કલાક બંધ રાખીને ચાલુ કરવી પડે છે. ફિલ્ટરેશન મોટર ચાલુ હોય ત્યારે ક્લોરિન છોડવામાં આવે છે. જો કે આજે સાંજ સુધીમાં રીપેરીંગમાં ગયેલી મોટર આવી ગયા બાદ આ પ્રશ્ન હલ થઇ જશે. તે સાથે સ્વીમીંગ પુલમાં ગંદકીનો પ્રશ્ન છે તે પણ હલ થઇ જશે. આ સ્વિમિંગ પુલમાં સવારે 150 અને સાંજે 70 જેટલા સ્વિમરો આવે છે.

Share :

Leave a Comments