- સાવલીની યાંત્રીક પેટા વિભાગીય કચેરીનો સામાનમાંથી મિકેનીકલ સ્ટોરમાંથી મોટર અને કેબલ સહિતના સામાનની ચોરી
- તસ્કરોએ ફલેટ પીવીસી કેબલ કાપી 77 હજારનું નુકસાન પહોંચાડયું
વડોદરા પાસે નેશનલ હાઇવે 48 પર આજવાથી બાપોદ ચોકડી તરફ જતા સરકારી કચેરીનો સ્ટોર આવેલો છે. આ સ્ટોરને તસ્કરે નિશાન બનાવ્યો હતો અને પાછળના દરવાજાથી અંદર પ્રવેશ કરીને તેમાં મુકેલા મોટર કેબલ સહિતનો સામાન મળી 79 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત 77 હજારના કેબલ કાપી નાખીને નુકસાન પણ પહોંચાડયું હતું. જેથી નાયબ કાર્યપાલક ઇજનેરે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં રૂપાલી સિનેમા સામે શ્રી રંગ અવધૂત સોસાયટીમાં રહેતા સૌરભ મણીલાલ પટેલે ફરીયાદ નોંધાવી છે કે, હું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં નાયબ કાર્યપાલક તરીકે ઈજનેરની કચેરી જાહેર આરોગ્ય યાંત્રીક પેટા વિભાગ, જનસેવા ભવન, ગેરી કમ્પાઉન્ડ, રેસકોર્ષ, વડોદરા શહેર ખાતે નોકરી કરૂ છું. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વડોદરા તથા સાવલીની યાંત્રીક પેટા વિભાગીય કચેરીનો મિકેનીકલ સ્ટોર નેશનલ હાઇવે નં 48 આજવા ચોકડીથી વાઘોડીયા ચોકડી તરફ જતા સર્કિટ હાઉસની બાજુમાં સિવિલ સ્ટોર આવેલો છે. જ્યાં અમારી વડોદરા તથા સાવલીની યાંત્રીક પેટા વિભાગીય કચેરીનો સામાન રાખ્યો છે. જ્યાં બે સિક્યુરીટી ગાર્ડ શીપ વાઇઝ ત્યાં હાજર હોય છે.
ગત 25 ફેબ્રુઆરીના સવારના 10.15 વાગ્યે અમારી કચેરીમાં એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતા પ્રગ્નેશ પરમાર હેન્ડપંપનો રિપેરીંગનો સામાન હેન્ડપંપ રિપેરીંગ ટીમને આપવા માટે સ્ટોર ઉપર ગયો હતો. અને સ્ટોર ખોલ્યો તો સ્ટોરનુ પાછળના ભાગનું શટર બરાબર બંધ ન જણાતા પ્રગ્નેશ પરમારે આ બાબતની જાણ અમારી કચેરીમાં કરી હતી. જ્યાં મિકેનીકલ સ્ટોરમાંથી મોટર અને કેબલ સહિત 79 હજારના સામાનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. તેમજ ફલેટ પી.વી.સી કેબલ કાપી 77 હજાર રૂપિયાનું નુકસાન પણ પહોંચાડયું હતું.