- એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો (યુઈબી) ખાતે સવારે 10 વાગ્યે અનુભવી અને બિનઅનુભવી મહિલા-પુરુષ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ પર ઇન્ટરવ્યુ લેવામાં આવશે
વડોદરામાં યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો (યુઈબી) દ્વારા તા. 15/05/2026ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 10 વાગ્યે કમાટીબાગ સામે આવેલ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં આવેલા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો (યુઈબી), વડોદરા ખાતે યોજાશે.
આ ભરતી મેળામાં B.E. Mechanical, Electrical, IT, MBA Marketing અને M.Sc Chemistry જેવી લાયકાત ધરાવતા અનુભવી તેમજ બિનઅનુભવી 35 વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ પર ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જેમાં સપોર્ટ એન્જિનિયર, ઓફિસર ક્વોલિટી કન્ટ્રોલ, પ્રોડક્શન એન્જિનિયર, ટૂલ રૂમ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ભરતી મેળા દરમિયાન ઉમેદવારોને વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, સેફ લીગલ માઈગ્રેશન, સ્વરોજગાર, લોન સહાય, સ્ટાર્ટઅપ, વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ઓનલાઈન રોજગારી, રોજગારલક્ષી અનુબંધમ અને એન.સી.એસ પોર્ટલના ઉપયોગ અંગે પણ નિઃશુલ્ક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
યુઈબીના નાયબ વડા અલ્પેશ એલ. ચૌહાણ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં જણાવ્યા મુજબ રસ અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રિઝ્યુમેની 3 નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.


