અટલાદરા મંદિરમાં ભીડનો લાભ લઈ રૂા.60 હજારનું મંગળસૂત્ર ચોરનાર અમદાવાદની બે મહિલા ઝડપાઈ

CCTV ફૂટેજના આધારે અટલાદરા પોલીસે કલાકોમાં જ બંને આરોપી મહિલાને દબોચી લીધા

MailVadodara.com - Two-women-from-Ahmedabad-caught-stealing-a-mangalsutra-worth-Rs-60-thousand-taking-advantage-of-the-crowd-at-Atladara-temple

- દર્શન દરમિયાન મહિલાના ગળામાંથી 6 ગ્રામનું મંગળસૂત્ર સેરવ્યું હતું

- અન્ય એક મહિલા આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા, સોનાનું મંગળસૂત્ર રિકવર કરાયું

વડોદરા શહેરના પ્રખ્યાત અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવેલા મહિલાના ગળામાંથી આશરે 6 ગ્રામ વજનનું અને 60 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ચોરી થવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. ધાર્મિક સ્થળે બનેલી આ ઘટનાને પગલે મંદિર પ્રશાસન અને દર્શનાર્થીઓમાં હડકંપ મચી ગયો હતો. જોકે, અટલાદરા પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ચોરીને અંજામ આપનારી અમદાવાદની બે શાતિર મહિલાઓની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો અછોડો તોડનારી બે મહિલા પકડાઈ


મળતી વિગતો અનુસાર, વડોદરાના દંતેશ્વર તરસાલી રીંગ રોડ પર આવેલી દર્શનમ એન્ટીકા સોસાયટીમાં રહેતા અને દરજીપુરા એરફોર્સમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર ગંગારામ લુસ્ટેએ આ અંગે અટલાદરા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સંતોષકુમાર પોતાના પરિવાર અને સુરતથી આવેલા તેમના મામાની દીકરી તથા જમાઈ સાથે અટલાદરા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. સવારે ૧૧ વાગ્યાની આસપાસ પરિવારે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. બપોરે 12.30 વાગ્યા સુધી મંદિરમાં રોકાણ દરમિયાન ભારે ભીડનો લાભ લઈને શાતિર મહિલા ચોરોએ સંતોષકુમારના બહેનના ગળા પર વોચ રાખીને, તેમના ગળામાંથી કાળા મણકાવાળું અને 48 સોનાની નાની મણીઓ તથા એક સોનાની વાડકી ધરાવતું ૬ ગ્રામનું મંગળસૂત્ર સેરવી લીધું હતું અને ફરાર થઈ ગઈ હતી.

મંગળસૂત્ર ચોરી થયાની જાણ થતાં જ અટલાદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.યુ. પસ્તાંગીયાની ટીમે તાત્કાલિક એક્શન લઈને તપાસ શરૂ કરી હતી. પોલીસે મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ ખંખાડતા કેટલીક મહિલાઓની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. આ ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ અમદાવાદની બે મહિલા સુભદ્રાબેન ઉર્ફે શોભાબેન ભરતભાઇ કાંતીભાઇ દંતાણી (દેવીપુજક) (રહે. દેવીપુરાના છાપરા, ફિઝિકલ ગ્રાઉન્ડની સામે, મણિનગર ખોખરા, અમદાવાદ) અને જયોતિબેન જયેશભાઇ હરખાભાઇ દંતાણી (દેવીપુજક) (ઉં.વ. 32, રહે. દેવીપુરાના છાપરા, ફિઝિકલ ગ્રાઉન્ડની સામે, મણિનગર ખોખરા, અમદાવાદ) ચોરોને ઝડપી પાડી હતી. પૂછપરછ દરમિયાન આ મહિલાઓએ ભીડભાડનો લાભ લઈને મંગળસૂત્ર ચોર્યું હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આ બંને મહિલાઓ પાસેથી ચોરી થયેલું 60,000ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર રિકવર કરી લીધું છે. આ ગુનામાં સંડોવાયેલી અન્ય એક મહિલા હજુ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments