- હરણી રોડ પરથી બંને આરોપીઓની ધરપકડ કરાઇ, રૂ.83 હજારનું મંગળસૂત્ર જપ્ત કરાયું
- મુખ્ય આરોપી સામે 11 ગુના નોંધાયેલા, ત્રીજી મહિલા સાગરીતની શોધખોળ ચાલુ
વડોદરા શહેરના વાડી-બરાનપુરા વિસ્તારમાં વિધિના બહાને બ્યુટી પાર્લર સંચાલિકાને હિપ્નોટાઈઝ કર્યા બાદ તેમની પાસેથી સોનાનો મંગળસૂત્ર અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ જનાર ત્રણ ગેંગની બે મહિલાને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આરોપીઓ પાસેથી રૂ.83 હજારની કિંમતનું 8.660 ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર કબજે કરવામાં આવ્યું છે. મુખ્ય આરોપી સામે અગાઉ પણ ઠગાઈ અને ચોરીના 11 ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

તાજેતરમાં જ વાડી બરાનપુરા વિસ્તારમાં બ્યુટી પાર્લર સંચાલિકાને હિપ્નોટાઈઝ કરીને વિધિના બહાને તેમની પાસેથી ત્રણ મહિલાઓ સોનાનું મંગળસૂત્ર અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી જેની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે હરણી રોડ વિજયનગર નાકા પાસેથી મીનાબેન મહેન્દ્ર વાદી (રહે. બહિયલ, દહેગામ) અને દક્ષાબેન દીપકભાઈ સલાટ (રહે. સુભાષનગર, અમદાવાદ)ને ઝડપી પાડવામાં આવી હતી.
મહિલા પોલીસ દ્વારા તપાસ દરમિયાન બંને પાસેથી એક સોનાનું મંગળસૂત્ર મળી આવ્યું હતું. તેની માલિકીના પુરાવો રજૂ કરી શક્યા ન હોવાથી પૂછપરછ હાથ ધરતા બંનેએ અન્ય એક મહિલા સાગરીત સાથે મળીને વાડી વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને ધાર્મિક વિધિના બહાને ભોળવી ગળામાંથી મંગળસૂત્ર ઉતરાવ્યું હતું. ત્યારબાદ મંગળસૂત્ર અને રૂ.3,500 રોકડ પર્સમાં મુકાવી મહિલાને વિધી માટે ઊંધા ઊભા રહેવા કહી પર્સ લઈને ફરાર થઈ ગયા હોવાનું કબૂલ્યું હતું.
આ કબૂલાતના આધારે વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો ડિટેક્ટ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી બાદ બંને આરોપીઓને વાડી પોલીસને સોંપી દીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મીના વાદી સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઠગાઈ, ચોરી અને વિશ્વાસઘાત સહિતના 11 ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચ હવે આ ગેંગની ત્રીજી મહિલા સાગરીતની શોધખોળ કરી રહી છે.


