- બે શખસોએ ફરિયાદીને નોટો બદલી આપવાની અને નાસ્તો કરાવવાની વાત કરી વાતોમાં ફસાવી પૈસા કાઢી લીધા હતા, માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
માંજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ માંજલપુરના શિવનગર રઝા મસ્જિદ પાસે રહેતા મેરાજઅલી ઈદરીસઅલી શેખ (ઉ.વ. 30) તા. 13 માર્ચના રોજ બપોરે અંદાજે 12 થી 12.20 વાગ્યા દરમિયાન મકરપુરા GIDC વિસ્તારમાં ભુમિ બેકરી પાસે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા. તેમણે બેંકમાંથી રૂપિયા બે લાખ ઉપાડ્યા બાદ બે અજાણ્યા શખસો તેમની પાસે આવ્યા હતા.

બન્ને શખસોએ ફરિયાદીને નોટો બદલી આપવાની અને નાસ્તો કરાવવાની વાત કરી તેમને વાતોમાં ફસાવી બેંકની બહાર લઈ ગયા હતા. ત્યારબાદ એક શખસે ફરિયાદીની પૈસા ભરેલી થેલીમાં રૂમાલમાં બાંધેલું બંડલ મૂકી દીધું અને ફરિયાદીની નજર ચૂકવી તેની થેલીમાંથી રૂપિયા બે લાખની રકમ કાઢી લઈ ફરાર થઈ ગયા હતા.
પછી ફરિયાદી ઘરે પહોંચ્યા બાદ બંડલ તપાસતા પહેલી અને છેલ્લી નોટ સાચી નીકળી હતી. જ્યારે વચ્ચેની બધી નોટોની જગ્યાએ કાગળ મૂકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે ગઠિયાઓએ ચતુરાઈપૂર્વક રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


