એસડી પે એપમાં રોકાણ કરી દાહોદના બે શિક્ષકે 42 લાખ ગુમાવ્યા, મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓ સામે ફરિયાદ

એસડી પે અને અપના પે એપ્લિકેશનના કૌભાંડમાં દાહોદના બે શિક્ષકો પણ ભોગ બન્યા

MailVadodara.com - Two-teachers-from-Dahod-lost-42-lakh-by-investing-through-the-SD-Pay-app

- શરૂઆતમાં કેશબેક અને રિટર્ન આપી વધુ રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા

- એપ બંધ થતાં રોકાણકારોની રકમ અટવાઈ, પ્રમોટરો-ડિરેક્ટરો-એજન્ટો સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી

સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા એસડી પે અને અપના પે એપ્લિકેશનના કૌભાંડમાં દાહોદ જિલ્લાના બે શિક્ષકોએ પણ રૂપિયા ૪૨ લાખ જેટલી માતબર રકમ ગુમાવતા દાહોદમાં પણ મુખ્ય સૂત્રધાર સહિત તમામ ભેજાબાજો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ભાઠીવાડા વિસ્તારમાં નોકરી કરતા ગિરીશભાઈ પુંજાભાઈ પટેલે ૨૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ એસડી પે એપ્લિકેશન મારફતે રૂપિયા ૨૧.૪૩ લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે તુષારકુમાર રમેશભાઈ પરમારે ૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રૂપિયા ૨૦,૬૧,૧૮૭નું ઓનલાઈન રોકાણ કર્યું હતું. શરૂઆતમાં બંને રોકાણકારોને કેશબેક તથા રિટર્નની રકમ ચૂકવી વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ એપ્લિકેશનમાં ગિરીશભાઈના ખાતામાં રૂપિયા ૪૯.૭૮ લાખ અને તુષારકુમારના ખાતામાં રૂપિયા ૪૬.૩૩ લાખ જેટલી મળવાપાત્ર રકમ દર્શાવવામાં આવી હતી. જો કે બાદમાં એપ્લિકેશનની સેવાઓ બંધ થઈ ગઈ અને એસડી પેનું નામ બદલી અપના પે કરવામાં આવ્યું હતું. દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે ધવલ પટેલ, હિરેન શાહ, ભાવેશ ધનેચા સહિત અન્ય પ્રમોટરો, ડિરેક્ટરો, સંચાલકો અને એજન્ટો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભેજાબાજો દ્વારા એસડી પે નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી તેના મારફતે લોકોને રોકાણ માટે આકર્ષવામાં આવતા હતા. એપ્લિકેશનના ૧૦ લાખથી વધુ ડાઉનલોડ્સ અને યુઝર્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રેફરલ સિસ્ટમ મારફતે મોટી સંખ્યામાં લોકોને આ નેટવર્ક સાથે જોડવામાં આવ્યા હોવાનો પણ પોલીસનો દાવો છે.

પોલીસ તપાસમાં ભેજાબાજો દ્વારા ઊભી કરાયેલી બોગસ કંપનીઓ સાથે જોડાયેલા બેંક ખાતાઓ વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોટગ પોર્ટલ પર દેશભરમાંથી ૮૩ જેટલી સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાયેલી છે.  

Share :

Leave a Comments