- ગરનાળા નીચેથી પસાર થતી વેળા કાર ચાલકે ટુ વ્હિલરને ટક્કર મારતા દીવાલ અને કાર વચ્ચે ફસાઇ જતા ઇજા પહોંચી હતી
દશરથ ગરનાળા નીચે ટુ વ્હિલર પર જતા એન્જિનિયરીંગના બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારતા બંનેને ઇજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડસર બ્રિજ પાસે વલ્લભ વાટિકા સોસાયટીમાં રહેતો જયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ખાનગી યુનિવર્સિટીમાં બી.ટેક.નો અભ્યાસ કરે છે. ગત ૭ મી તારીખે બપોરે એક વાગ્યે તરસાલી સુશેન સર્કલ પાસે રહેતા મારા મિત્ર શૌર્યકુમારના ઘરે ગયો હતો. મારા મિત્રના ટુ વ્હિલર પર બેસીને અમે કોલેજ ગયા હતા. બપોરે પોણા ત્રણ વાગ્યે અમે ચા નાસ્તો કરવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા તે દરમિયાન કોલેજમાંથી મેસેજ આવ્યો હતો કે, હોલ ટિકિટ મેળવી લેવી. જેથી, અમે પરત કોલેજ જતા હતા. હું ટુ વ્હિલર ચલાવતો હતો. અમે દશરથ ગરનાળા નીચેથી જતા હતા. તે દરમિયાન પાછળથી આવતી એક કારના ચાલક કનુભાઇ મણીભાઇ વણકરે (રહે. હરિઓમ સોસાયટી, દશરથ) અમારા ટુ વ્હિલરને ટક્કર મારતા અમે ગરનાળાની દીવાલ અને કાર વચ્ચે ફસાઇ જતા મને ડાબા પગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે પાછળ બેઠેલા શૌર્યને પણ ઇજા થઇ હતી.


