- આ ઘટનામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી

વડોદરા શહેરની વધુ એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના શહેરના નવાપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલી છે, જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી છે. હાલમાં બન્ને બાળકોના વાલીઓ પોલીસ મથકે પહોંચ્યા છે. અહીં વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા દીકરાને 10થી 11 વિદ્યાર્થીઓએ મળીને માર મારતા બેભાન થઈ ગયો હતો. વિદ્યાર્થીના પિતાને ફરિયાદ કરતા તેઓએ પણ થાય તે કરી લેવાની ધમકી આપી હતી. હાલમાં સમગ્ર મામલો નવાપુરા પોલીસ પાસે પહોંચતા ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે નવાપુરા પોલીસ મથકના પીઆઈ એમ. એસ. અંસારીએ જણાવ્યું હતું કે, ક્લાસના છોકરાઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે માહિતી મળતા જ હું અહીંયા આવ્યો છું. આ અંગે કાર્યવાહી કરીશું. હાલમાં આ બનાવ મામલે અમે સામસામે ફરિયાદ લઈ રહ્યા છીયે.
ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, મારો છોકરો લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ 11માં અભિયાસ કરે છે. આજે દશેક વિદ્યાર્થીએ તેના પર જીવલેણ હુમલો કર્યો છે અને પકડી-પકડીને માર્યો છે. પેટમાં લાતો મારી છે અને બહુ ઈજા પહોંચાડી છે. મારો છોકરો મારથી બેભાન થઈ ગયો હતો. મારા મોટા છોકરાએ કોલ કર્યો કે પપ્પા આવું થયું છે. હું સ્કૂલમાં ગયો તો કોઈ જવાબ આપતું નથી. કોઈ છોકરાને હોસ્પિટલ પણ નથી લઈ ગયું કે કોઈ એક્શન પણ લીધા નથી. આ 10 છોકરા પર જો સ્કૂલ એક્શન નહિ લે તો અમે એક્શન લઈશું. અહીં પોલીસ પણ આવી ગઈ છે. એ છોકરાના પેરેન્ટ્સ પણ આવ્યાં હતા તો તેઓ કહે છે કે, થાય તે કરી લેજો. સ્કૂલમાંથી કોઈનો ફોન પણ નથી આવ્યો. મને મારા છોકરાએ ફોન કરતા હું નોકરી પરથી આવ્યું છું.

આ અંગે સ્કૂલના ધોરણ 11ના ક્લાસ ટીચરે જણાવ્યું કે, ધોરણ 9 અને 11નું બે કલાકનું પેપર પુરુ થયું હતું. વિદ્યાર્થીઓ નીચે ઉતરાતા હતા, તે દરમિયાન ધક્કો વાગતા આ ઘટના બની હતી. જેમાં ધોરણ નવ અને ધોરણ અગ્યારના વિધાર્થીઓ સામ સામે આવી ગયા હતા. અમારે અન્ય વિધાર્થીઓના પેપર હતા તો અમે સુપરવિઝનમાં હતા. આ ઘટનામાં તમામના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને આ મામલે અમે સમાધાન માટે કહ્યું હતું, પરંતુ તેઓએ અમને કહ્યું કે, જે કરવું હશે તે અમે કરીશું.

આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું પેપર આપીને આવી રહ્યો હતો ત્યારે દાદરાની વચ્ચે મને ટપલીઓ મારી. પછી નીચે આવીને મને ઘેરીને ફેંટો મારી. હું ભાગીને સ્કૂલમાં ફરિયાદ કરવા ગયો તો એ લોકોએ કહ્યું કે પોલીસ ફરિયાદ કે કઈ કરીશ નહિ. એ લોકોના વાલીને બોલાવી લઈશું. એ લોકોના પેરેન્ટ્સે પણ આવીને દાદાગીરી કરતા હતાં. અમને કહ્યું કે, થાય તે કરી લેજો. અમે તમને છોડશું નહિ.


