- ઘટનાની જાણ થતા જ પાણીગેટ, ગજરાવાડી, GIDC અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
- દરવાજાની સામે જ સિમેન્ટના બ્લોક અને સ્ટ્રક્ચરનો કાટમાળ પડ્યો હોવાથી દરવાજા ખુલી શકે તેમ નહોતા એટલે બારી કાપીને ફાયર બ્રિગેડની ટીમે લોકોને બહાર કાઢ્યા હતા

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં અંબિકાધામ એપાર્ટમેન્ટના બે માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે બારીઓ કાપીને લોકોને બહાર કાઢ્યા હતા.


ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અંબિકાધામ સોસાયટી નામનું બિલ્ડિંગ છે, જે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું છે. આ બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસની વિવિધ ટીમો, જેવી કે પાણીગેટ, ગજરાવાડી, GIDC અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજા માળના 3થી 4 મકાનો અને ત્રીજા માળના 3થી 4 મકાનોના પરિવારો ફસાયા હતા. અમે અંદાજે 15થી 20 જેટલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લેડર (સીડી) અને બ્રોન્ટો સ્કાયલિફ્ટ જેવી અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું છે. અમે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં એક મહિલાને ઈજા થઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે, અમે પહોંચ્યા બાદ બાકીના તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધા છે.


તેઓએ જણાવ્યું હતું કે, આ કામગીરીમાં લગભગ દોઢ થી બે કલાક જેટલો સમય લાગ્યો. જી.ઈ.બી.નો પાવર સપ્લાય કાપવામાં અને બ્રોન્ટો ઓપરેટ કરવામાં નડતરરૂપ થતા ઝાડ અને જીવંત વાયરોને કારણે થોડી વાર લાગી હતી. બાકી મારી ટીમ સીડી લગાવીને તરત જ દરેક ઘરમાં પહોંચી ગઈ હતી અને બધાને સુરક્ષિત કરી લીધા હતા. અમારે અમુક દરવાજા અને બારીઓ કાપવા પડ્યા હતા. કારણ કે બરોબર દરવાજાની સામે જ સિમેન્ટના બ્લોક અને સ્ટ્રક્ચરનો કાટમાળ પડ્યો હતો, જેથી દરવાજા ખુલી શકે તેમ નહોતા એટલે બારી કાપીને અમે લોકોને બહાર કાઢ્યા.


એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અત્યારે મને મારા પુત્રનો ફોન આવ્યો કે, "પપ્પા ગેલેરી પડી ગઈ છે અને અત્યારે લોકો અંદર જ છે, હજુ છોકરાઓ બહાર નથી ઉતર્યા." એટલે મેં સાંભળતાની સાથે જ તરત જ અહીં આવ્યો. ગેલેરી પડવા અંગે આજે બપોરે જ વાત થઈ હતી. 500 વાગ્યે વાત થઈ હતી કે ગેલેરી રિપેર કરાવવાની છે, તો મેં કીધું કે 'વાંધો નહીં, આપણે કરાવી દઈશું'. એટલામાં તો અત્યારે ફોન આવ્યો કે આવું થઈ ગયું છે, એટલે હું દુકાન બંધ કરીને સીધો ઘરે આવ્યો. ગેલેરી રિપેરિંગ તો અમે વચ્ચે એકવાર કરાવી હતી. પણ આજે 5 વાગ્યે જ વાત થઈ હતી કે, ગેલેરી ફરીથી રિપેર કરાવવી પડશે. મેં હા પણ પાડી હતી કે આપણે કરાવી દઈશું, પણ એટલામાં તો આ ગેલેરી પડી ગઈ છે.


સ્થાનિક પ્રાપ્તિ પવારે જણાવ્યું હતું કે, આ ઘટના લગભગ રાત્રે 8.30થી 9.00 વાગ્યાની વચ્ચે બની હતી. હું નોકરી પરથી આવીને હજુ ઘરમાં ખુરશી પર બેસીને ટીવી જોઈ રહી હતી, એટલામાં જ અચાનક જોરદાર 'સનનન' અવાજ આવ્યો. મને પહેલા તો સમજાયું નહીં કે, શું થયું પણ તરત જ અહેસાસ થયો કે મકાનનો ભાગ ધરાશાયી થયો છે. ખૂબ જ ડર લાગે એવી પરિસ્થિતિ હતી.


