વૃદ્ધ દંપતિને ઘરમાં મતદાન મુદ્દે ધમકાવી ચાકુ બતાવી બે લૂંટારા સોના-ચાંદીના દાગીના અને રોકડ લઇ ફરાર

વડોદરાના સમા વિસ્તારમાં ભર બપોરે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી

MailVadodara.com - Two-robbers-threatened-an-elderly-couple-at-home-over-voting-issues-and-fled-with-gold-and-silver-jewelry-and-cash

- દંપતીને લૂંટારાઓએ તમે ચૂંટણીમાં મતદાન કેમ નથી કર્યું? કહીને ઘરમાં ઘૂસી જઇ દંપતિને ધમકાવવાનું શરૂ કર્યું હતું, પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી લૂંટારાઓની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા લૂંટારાઓએ ઘરમાં આરામ કરતા વૃદ્ધ દંપતિને મતદાન મુદ્દે ધમકાવી ગળું દબાવી તથા ચાકુ બતાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સંતોષીનગર સોસાયટીમાં રહેતા 83 વર્ષીય ટી.પી. રાધાકૃષ્ણન અને તેમના 73 વર્ષીય પત્ની બપોરના સમયે પોતાના ઘરે એકલા હતા. આ સમયે મોંઢા પર રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમનો દરવાજો ખખડાવ્યો હતો. 

લૂંટારાઓએ તમે ચૂંટણીમાં મતદાન કેમ નથી કર્યું? કહીને ઘરમાં ઘૂસી આવ્યા હતા અને દંપતિને ધમકાવવાનું શરૂ કર્યું હતું. દંપતિ કઈ સમજ્યા પહેલા જ લૂંટારાઓએ ગળું દબાવી તથા ચાકુ બતાવી ડરાવ્યા હતા. ઘરમાં ઘૂસેલા લૂંટારુઓએ અસહાય વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. તેમને માર માર્યા બાદ એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. દંપતી લાચાર બની ગયું હતું અને લૂંટારુઓએ આખા ઘરને બાનમાં લીધું હતું.

લૂંટારુઓ ઘરમાંથી કિંમતી સામાન સાફ કરી ગયા હતા, જેમાં અંદાજે 12,000 રોકડા, સોનાની કિંમતી વસ્તુઓ, પર્સ અને મોબાઈલ ફોન સહિતની અનેક વસ્તુઓની લૂંટ ચલાવી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ વૃદ્ધ દંપતિએ પડોશીઓની મદદ લીધી અને પોલીસને જાણ કરી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી લૂંટારાઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

Share :

Leave a Comments