- આરોપીઓ ગુનાના સમયે વાહનની નંબરપ્લેટ પણ કાઢી ઓળખ છુપાવવા રાત્રે વીગ-ટોપી પહેરીને નીકળતા હતા, આરોપીઓ અકોટા અને-વિસ્તારમાં મહિલા-પુરુષોને ટાર્ગેટ કરતા હતા

વડોદરા શહેરમાં છેલ્લા સવા મહિનાથી હાહાકાર મચાવનાર અછોડાતોડ ગેંગના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે રાત્રે વીગ અને ટોપી પહેરીને નીકળતા હતા. પોલીસે તેમની પાસેથી 10.01 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચાર ચેઇન અને બે મંગળસૂત્રનો સમાવેશ થાય છે.

શહેરના પંડ્યા બ્રિજ અને આંબેડકર સર્કલ નજીક બનેલી છેડતીની ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પાછલા ગુનાઓનો અભ્યાસ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અગાઉ ચેઇન સ્નેચિંગમાં ઝડપાયેલા સોનુસિંગ બલવીરસિંગ ભોંડ (સિકલીગર) પર શંકા રાખી હતી. આ શંકાના આધારે પોલીસે તરસાલી-દંતેશ્વર વિસ્તારમાં તપાસ કરતા બે શંકાસ્પદ વ્યક્તિઓ અલગ-અલગ બાઈક પર આવતા જોવા મળ્યા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને તેઓ ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે આકરી પૂછપરછ કરતા બંને આરોપીઓએ તેમના નામ સોનુસિંગ બલવીરસિંગ ભોંડ (સિકલીગર) અને જશપાલસિંગ પાપાસિંગ બાવરી (સિકલીગર) હોવાનું જણાવ્યું હતું. તેમણે છેલ્લા સવા મહિનાના સમયગાળામાં છ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમની મોડસ ઓપરેન્ડી (ગુના આચરવાની રીત) પ્રમાણે, તેઓ રાત્રે વીગ અને ટોપી પહેરીને નીકળતા હતા અને ગુનાના સમયે વાહનની નંબરપ્લેટ પણ કાઢી નાખતા હતા. આ બંને આરોપીઓ મોટાભાગે રાત્રિના સમયે અકોટા અને ગોરવા વિસ્તારમાં ટુ-વ્હીલર પર જતા મહિલા-પુરુષોને ટાર્ગેટ કરતા હતા.

ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. આરોપી સોનુસિંગ ભોંડ વિરુદ્ધ લૂંટ, ચેઇન સ્નેચિંગ, ઘરફોડ, વાહનચોરી અને હથિયાર સહિતના 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આરોપી જશપાલસિંગ બાવરી વિરુદ્ધ પણ લૂંટ, ઘરફોડ ચોરી અને વાહનચોરીના 5 ગુના નોંધાયેલા છે. આ ધરપકડથી ગોરવા અને અકોટા પોલીસ મથકમાં નોંધાયેલા 6 ગુનાના ભેદ ઉકેલાયા છે.


