- સુંદરપુરામાં આવેલા ફાર્મહાઉસમાંથી આશરે 5 ફૂટનો અને બામણગામે પાણીની ટાંકીમાંથી 11 ફૂટના અજગરને દોરીથી બાંધીને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો
- વન વિભાગની મદદથી બંને અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપાયા
વડોદરા શહેર નજીક આવેલ સુંદરપુરા અને બામણગામ પાસેથી બે મહાકાય અજગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સંસ્થા સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પ્રમુખ પર બે અલગ અલગ સ્થળો પરથી કોલ આવ્યો હતો. જેથી વન વિભાગની મદદથી બંને અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા છે.

વડોદરા અને આસપાસના વિસ્તારમાં સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ અજગરના સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ સંદીપ સિંઘને બે અલગ-અલગ કોલ પરથી માહિતી મળી હતી. પ્રથમ કોલ સુંદરપુરાથી પ્રશાંતભાઈનો આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે તેમના ફાર્મમાં એક અજગર દેખાયો છે. તેની લંબાઈ આશરે 5 ફૂટ હતી. તુરંત જ સંસ્થાના વોલન્ટિયર્સ હરિકિશન, પ્રિન્સ, દીપક, જયદીપ અને દક્ષેશ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સુરક્ષિત રીતે અજગરનું રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો.

ત્યારબાદ બીજો કોલ અજીતસિંહ પઢિયારનો આવ્યો હતો, જેમણે મોર્ડન પેટ્રોફાઇલ્સ, બામણગામ ખાતે પાણીની ટાંકીમાં અજગર જોવા મળ્યાની જાણ કરી હતી. સંસ્થાના વોલન્ટિયર્સ સંદીપભાઈ, હરિકિશન, પ્રિન્સ, દીપક, જયદીપ અને દક્ષેશ ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં 11 ફૂટ લાંબો અજગર હતો. વન વિભાગના અધિકારી શૈલેશભાઈને જાણ કરીને સહી-સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું અને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના પ્રમુખ સંદીપસિંહે જણાવ્યું હતું કે, આજે અમારા `સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ'ના હેલ્પલાઈન નંબર પર બે અલગ-અલગ સ્થળોએથી કોલ આવ્યા હતા. પહેલો કોલ સુંદરપુરાથી પ્રશાંતભાઈનો આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના ફાર્મ પર એક અજગર દેખાયો છે. અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી તો ત્યાં અંદાજે 4.5 થી 5 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને શૈલેષભાઈની મદદથી આ અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુંદરપુરાથી નીકળ્યા બાદ તુરંત જ અમને બીજો કોલ બામણગામ પાસેના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મળ્યો. ત્યાં એક જૂની પાણીની ટાંકીમાં એક મહાકાય અજગર ઘણા સમયથી ફસાયેલો હતો. જ્યારે અમારી ટીમે સ્થળ પર જઈને જોયું તો તે અંદાજે 11થી 12 ફૂટ લાંબો વિશાળ અજગર હતો. અમારી ટીમ જીવના જોખમે ટાંકીની અંદર ઉતરી અને તેને સહી-સલામત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપ્યો છે.


