- વારસીયા પોલીસે બંને આરોપી હેરી ઉર્ફે હિંમાશુ રમેશકુમાર લુધવાણી અને વિવેક ઉર્ફે બન્ની મોહનભાઇ કેવલાણીના હાથ-પગ દોરીથી બાંધી ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં બૂટલેગરના ગેંગવોરમાં એક મહિના પહેલા સાંઇબાબા નગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરીને 3 કારને આગ ચાંપીને નાસી છૂટેલા વધુ 2 વોન્ટેડ આરોપીને વારસીયા પોલીસે ઝડપી પાડ્યા છે. બંનેને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું અને બંન્ને આરોપીના હાથ પગ દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવ્યા હતા. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર બૂટલેગર અલ્યુ સિંધી દ્વારા કરાયેલા હુમલામાં શંકા રાખીને ગેંગવોરમાં હેરી લુધવાણી(સિંધી) અને તેના સાથીદારોએ 27 નવેમ્બરના રોજ અલ્પુ સિંધીના ખાસ માણસ ધર્મેશ ઉર્ફે ગોલુના મિત્ર મનીષ કારડાની થાર કાર સળગાવી દેતા વારસીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં થાર સાથે અન્ય બે કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી.

વારસીયા ગણેશનગર સોસાયટીમાં રહેતા મનીષ ઉર્ફે માનવ કારડા (ઉ.વ.21) ની ફરિયાદ અનુસાર, તેની ધર્મેશ ઉર્ફે ગોલુ ઇંદ્રકુમાર સચ્ચદેવ સાથે મિત્રતા છે, પરંતુ ધર્મેશ સચ્ચદેવની અંગત અદાવત હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી સાથે હતી. ધર્મેશ સચ્ચદેવને ગુજસીટોકના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન 3 મહિના પહેલા મનીષ કારડા વારસીયાની તિવારીની ચાલ બાજુથી એક્ટિવા પર રાતે 1 વાગ્યે પસાર થતો હતો. ત્યારે હિમાંશુ અને તેના મિત્રો વિવેક ઉર્ફે બન્ની કેવલાણીએ મનીષને રોકીને તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો.
જે બાદ 26 નવેમ્બરની રાતે 11.30 વાગ્યે પોતાની થાર કાર સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરીને ઘરે જઈ સુઈ ગયો હતો. રાતે 2 વાગ્યે સફેદ કારમાં આવેલા હેરી અને વિવેક કેવલાણી ફરિયાદીની થાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી ભાગી ગયા હતાં. કાર સળગતી જોઈ પાડોશમાં રહેતા દર્શન ગોહીલે મનીષને જગાળ્યો હતો. મનીષ કારડાની થાર, ઉપરાંત સોસાયટીમાં જ રહેતા કલ્પેશ પરમારની ટ્રીબર કાર, તેમજ મિતેષભાઈ દુધાણીની હુંડાઈ કાર પણ સળગી ગઈ હતી.
સોસાયટીના સભ્યોએ ફાયરબ્રિગેડને બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના અંગે મનીષ કારડાએ હિમાંપુ ઉર્ફે હેરી અને વિવેક કેવલાણી વિરૂધ્ધ વારસીયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં હેરી ઉર્ફે હિંમાશુ રમેશકુમાર લુધવાણી (રહે. સંત કવર કોલોની વારસીયા વડોદરા) અને વિવેક ઉર્ફે બન્ની મોહનભાઇ કેવલાણી (રહે.ટેકક્ષટાઇલ સોસાયટી લોટસ કલબની બાજુમાં, ફતેગંજ, વડોદરા)ની ધરપકડ કરી છે અને વડોદરા કોર્ટમાં રજુ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ દરમિયાન પોલીસે બંને આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્ટ્રક્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં હેરી ઉર્ફે હિંમાશુ રમેશકુમાર લુધવાણી સામે વડોદરાના સીટી પોલીસ સ્ટેશનમાં-2, વારસિયામાં-2, હરણીમાં-1, કારેલીબાગમાં-1, સમામાં-1, વાડીમાં-1, દાહોદમાં-1, વરણામામાં-1, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલા છે અને બે વખત પાસા હેઠળ ભાવનગર અને સુરત જેલમાં જઇ આવ્યો છે. જ્યારે આરોપી વિવેક ઉર્ફે બન્ની મોહનભાઇ કેવલાણી સામે અગાઉ જે. પી રોડમાં-1, મકરપુરામાં-1, ફતેગંજમાં-1, હરણીમાં-1, કુંભારવાડામાં-1 અને સિટી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે.


