રાજ્યમાં દારૂની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગના વધુ બે સાગરીતની રાજસ્થાનના સાંચોર ખાતેથી ધરપકડ

બિશ્નોઈ ગેંગના બંને આરોપી સાગરીત શ્રવણ અને ધવલના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયાં

MailVadodara.com - Two-more-associates-of-Bishnoi-gang-involved-in-liquor-smuggling-in-the-state-arrested-from-Sanchor-Rajasthan

- સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા, પંજાબ, હરિયાણામાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોઇ ગેંગના ૧૩ બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

વડોદરા રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં વિવિધ જિલ્લાના બુટલેગરોને દારૂ સપ્લાય કરી રાજ્યમાં દારૂની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગના વધુ સાગરીતની રાજસ્થાનના સાંચોર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આજે આ બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા ન્યાયાધીશે બન્ને આરોપીના તા.૧૨મી માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા, પંજાબ, હરિયાણામાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોઇ ગેંગના ૧૩ બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનામાં ફરાર બે આરોપીઓ, શ્રવણ કિશનરામ બિશ્નોઇ અને ધવલ પુનમારામ બિશ્નોઇ સાંચોરમાં હોવાની બાતમી મળતા પોલીસે આ બન્ને શખ્સને ઝડપી લીધા હતા. આજ રોજ આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

રિમાન્ડ અરજીની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આ સંગઠિત ગુનાખોરીની ટોળકીએ વર્ષ ૨૦૧૯ પછી પ્રોહિબિશનના ૧૬ જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે, જેમાં અંદાજે રૂ. ૫.૭૮ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. આરોપી શ્રવણ બિશ્નોઈ ગોવાથી દારૂ ભરી ગુજરાતમાં ઘુસાડતો હતો, જ્યારે ધવલ બિશ્નોઈ આંગડિયા પેઢીઓ અને અન્ય સ્ત્રોત મારફતે નાણાકીય લેતી-દેતી સંભાળતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

બિશ્નોઇ ગેંગના સાગરીતો અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂ લાવવા માટે વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરતી અને ખોટા ઈ-વે બિલ તથા બિલ્ટીનો ઉપયોગ કરતી હતી. મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઈ જેલમાં હોવા છતાં આ શખ્સોએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આરોપીઓએ આ ગુનાહિત આવકમાંથી મિલકતો વસાવી છે કે કેમ અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં નાણાંનો ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવાની છે. ન્યાયાધીશે બન્ને આરોપીના તા.૧૨ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

Share :

Leave a Comments