- બે આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન મળ્યાં, ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ ધરાવતી કલમ ઉમેરાઈ
ઓનલાઇન ક્રિકેટ સટ્ટાના કેસમાં એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે વધુ બે આરોપીને ઝડપી પાડયા છે. તેમજ આ કેસમાં વધુ કલમનો ઉમેરો કર્યો છે. જેમાં સજાની જોગવાઇ ત્રણ વર્ષ સુધીની છે.
મળતી માહિતી મુજબ, ઓનલાઈન વેબસાઈટ મારફતે ક્રિકેટ સટ્ટો રમતા રોનક ભરત પંચાલ (રહે.ગોવર્ધન ટાઉનશિપ, વાઘોડિયા રોડ)ને પોલીસે ઝડપી લીધો હતો. કપુરાઈ પોલીસે આરોપી પાસેથી પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૨૫ હજારનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે નરેન્દ્ર ઉર્ફે નયન પટેલ (રહે.ગોવર્ધન ટાઉનશિપ, વાઘોડિયા રોડ) અને દીપ ખંડેલવાલ નામના સટ્ટાખોરોને ફરાર જાહેર કર્યા હતા. આ ગુનાની તપાસ કરતા એલ.સી.બી. ઝોન - ૩ ના પી.એસ.આઇ. એસ.એ.ફૂલધારાએ આરોપી નરેન્દ્ર ઉર્ફે નયન અંબાલાલ પટેલ (રહે.ગોવર્ધન ટાઉનશિપ, નારાયણ સ્કૂલ પાસે, વાઘોડિયારોડ) ને થોડા દિવસ અગાઉ ઝડપી પાડયો હતો. આ કેસની તપાસ દરમિયાન વિશાલ કૈાશિકભાઇ પટેલ અને અભય જ્યંતિભાઇ પટેલના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે બંનેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ - ૨૦૨૫ માં ઓનલાઇન ગેમિંગના નવા કાયદામાં સજાની જોગવાઇ ત્રણ વર્ષ અને ૧ કરોડ સુધીના દંડની જોગવાઇ છે.


