વાસણા કોતરીયા ગામમાં બે મકાનોમાં ચોરી, 15.45 લાખની મતા ઉઠાવી બાઇકસવાર તસ્કરો ફરાર

બાઇક પર આવેલા અજાણ્યા તસ્કરો ગામના ચોકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા

MailVadodara.com - Two-houses-were-robbed-in-Vasna-Kotaria-village-bike-borne-smugglers-absconded-after-taking-away-Rs-15-45-lakhs

- ૧૩ લાખનું સોનું, ૧.૭૫ લાખની ચાંદી અને 70 હજાર રોકડા સહિત રૂા.૧૫.૪૫ લાખની મતાની ચોરી થતા ગ્રામજનોમાં ફફડાટ

વડોદરા નજીક આવેલા વાસણા કોતરીયા ગામમાં બે મકાનોમાં ચોરી કરીને બાઇક પર આવેલી ટોળકીએ ગ્રામજનોમાં ગભરાટ ફેલાવ્યો છે. એક મકાનમાંથી રૂા.૧૫.૪૫ લાખની મતા ચોરો ઉઠાવી ગયા છે.

વાસણા કોતરીયા ગામે ઊંડા ફળિયામાં રહેતા શૈલેષ ગણપતભાઇ સોલંકીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રણોલી જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારાં માતા-પિતા ગામની સીમમાં ખેતરમાં રહે છે તેમજ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હોવાથી તે હાલ પિયરમાં છે. તા.૧૮ના રોજ હું નોકરી પર ગયો હતો અને વધારે કામ હોવાથી નાઇટ શિફ્ટમાં પણ કંપનીમાં રોકાયો હતો. રાત્રે માતા-પિતા જમીને ઘરને લોક મારી ખેતરે સૂવા જતા રહ્યા હતાં.

નાઇટ શિફટ કરીને હું સવારે ઘેર આવ્યો ત્યારે ઘરની જાળીનો નકૂચો તૂટેલો હતો અને ઘરની અંદર જઇને ખાત્રી કરતા સામાન વેરવિખેર જણાયો હતો. ત્રીજા રૂમમાં મૂકેલી તિજોરીના લોક તૂટેલા અને અંદરથી રૂા.૧૩ લાખ કિંમતના ૧૦ તોલા સોનાના દાગીના, રૂા.૧.૭૫ લાખ કિંમતના ૭૦૦ ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ ૭૦ હજારની ચોરી થઇ હતી.

દરમિયાન જાણવા મળ્યું હતું કે પાડોશમાં રહેતા ભરત દેવજીભાઇ પરમારના ઘરના પણ તાળા તૂટયા છે. આ ઘર લાંબા સમયથી બંધ હોવાથી કેટલી રકમની ચોરી થઇ તે જાણવા મળ્યું ન હતું. આ અંગે મંજુસર પોલીસે તપાસ કરતાં ગામના ચોકમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં બાઇક પર ચોરો આવતા જણાયા હતાં. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments