હિટ એન્ડ રનની બે દિવસમાં બે ઘટના; વાઘોડિયા રોડ અને મકરપુરા GIDCમાં મહિલા સહિત બે ના મોત

મકરપુરા જી.આઇ.ડી.સી.માં ચાલતા જતા શ્રમજીવીને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો

MailVadodara.com - Two-hit-and-run-incidents-in-two-days-Two-including-a-woman-die-in-Waghodia-Road-and-Makarpura-GIDC

- વાઘોડિયા રોડ પર ખટંબા અર્બન રેસિડેન્સીમાં રહેતા મીનાબેન શાહ ઘરેથી ચાલતા દૂધ લેવા માટે જતા હતા તે દરમિયાન એક વાહન ચાલકે ટક્કર મારતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું

વાઘોડિયા રોડ પર દૂધ લેવા નીકળેલી મહિલાને વાહનચાલકે ટક્કર મારતા મોત થયું હતું. જ્યારે મકરપુરા જી.આઇ.ડી.સી.માં ચાલતા જતા શ્રમજીવીને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો હતો. શ્રમજીવીનું સ્થળ પર જ મોત થયું હતું.

મકરપુરા જી.આઇ.ડી.સી. ફૂટપાથ પર રહેતો પરપ્રાંતિય શ્રમજીવી પરિવાર મજૂરી કરે છે. પરિવારના મોભી પિતરભાઇ લાલસિંગભાઇ ડામોર (ઉં.વ.૫૦) ઉત્તરાયણની પૂર્વ રાત્રે મોબાઇલ ફોનમાં રિચાર્જ કરાવવા માટે ઘરેથી ચાલતા નીકળ્યા હતા. સાંજે સાડા સાત વાગયે મકરપુરા જી.આઇ.ડી.સી. એક્ન્ટેસ્ટ કંપનીના ગેટ પાસે એક વાહન ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. લોકો સ્થળ પર ભેગા થઇ ગયા હતા. જે પૈકી એક વ્યક્તિએ જઇને પિતરભાઇના પરિવારને જાણ કરતા તેમની પત્ની સ્થળ પર દોડી ગઇ હતી. પિતરભાઇ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડયા હતા. તેઓનું સ્થળ પર જ મોત થયું હતું. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ ખટંબા અર્બન રેસિડેન્સીમાં રહેતા મીનાબેન સુરેશચંદ્ર શાહ ગઇકાલે સવારે ઘરેથી ચાલતા દૂધ લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન એક વાહન ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. મીનાબેનને છાતીની ડાબી બાજુ, કમર તથા ડાબા ખભા પર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments