બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવા મહિલાના 50 હજારના દાગીના પડાવી લેનાર બે ઠગો ઝડપાયા

માસી, તમારા ઘરવાળાએ બેંકમાં 9 લાખ રૂપિયા જમા કરાવ્યા છે કહી ઠગોએ છેતરપિંડી કરી હતી

MailVadodara.com - Two-fraudsters-who-impersonated-bank-officers-and-snatched-jewellery-worth-Rs-50-000-from-widow-arrested

- ફોર્મમાં દાગીના વગરનો ફોટો લગાવવાનો છે એટલે કાઢવા પડશે કહી દાગીના કઢાવ્યા હતા, તમે અહીં બેસો, હું બેંકમાં જઈને સહી-સિક્કા કરાવીને આવું છું કહી ઠગ ફરાર થઇ ગયા હતા

- છાણી પોલીસે CCTV ફૂટેજ અને બાઇકના નંબરના આધારે 2 આરોપીની આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતેથી ધરપકડ કરી છે અને 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો 

વડોદરાના છાણી બેંક ઓફ બરોડામાં પેન્શનની રકમની એન્ટ્રી કરાવવા ગયેલા વિધવા મહિલા પાસેથી બેંક અધિકારીઓની ખોટી ઓળખ આપીને 50,000 રૂપિયાના દાગીના ઉતારી લીધા હતા. આ મામલે મહિલાએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છાણી પોલીસે CCTV ફૂટેજ અને બાઇકના નંબરના આધારે 2 આરોપીની આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતેથી ધરપકડ કરી છે અને 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરાના દુમાડ ગામમાં રહેતા મધુબેન ચાવડાએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિનું આશરે પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. હું મારી પેન્શનની રકમની પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે દુમાડ ગામથી રિક્ષામાં બેસીને છાણી ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં ગઈ હતી. પાસબુકમાં એન્ટ્રી કરાવીને થોડું કરિયાણું ખરીદીને હું પછી દુમાડ ગામ જવા માટે રિક્ષાની રાહ જોતી હતી. આ સમયે બે અજાણ્યા શખસો મારી પાસે આવ્યા હતા અને એક શખસે મને કહ્યું હતું કે, માસી, તમારા ઘરવાળાએ બેંકમાં 9 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, જેની ખબર તમને કે તમારા દીકરાને નથી. અમે બેંકના અધિકારીઓ છીએ અને તમને તમારા પૈસા અપાવીશું.



અઢી લાખ રૂપિયા હમણાં મળશે અને બાકીના રૂપિયા બેંકમાં જમા રહેશે. આ બંને શખસોએ મને કહ્યું હતું કે, રૂપિયા ઉપાડવા માટે ફોર્મ ભરવું પડશે, જેમાં તમારો ફોટો લગાવવાનો છે. તેમણે મને છાણી તળાવ પાસે લઈ જઈને તેમના મોબાઈલથી મારો ફોટો લીધો હતો અને મને કહ્યું હતું કે, અહીં સારો ફોટો નથી આવતો, ચાલો કમાટીબાગ જઈએ. તેમણે મને વાતોમાં રાખીને તેમની બાઇક પર બેસવા કહ્યું, પરંતુ મને ફાવતું ન હોવાથી એક શખસે રિક્ષા બોલાવી હતી. હું અને આ શખસ રિક્ષામાં બેસી ગયા હતા, જ્યારે બીજો શખસ બાઈક પર કમાટીબાગ આવ્યો હતો.

કમાટીબાગમાં રેલવેના પાટા પાસે મને બેસાડીને મારો ફોટો લીધો હતો. આ શખસે મને કહ્યું હતું કે, તમારે કાનમાં પહેરેલા સોનાના દાગીના કાઢી નાખવા પડશે, કારણ કે ફોર્મમાં દાગીના વગરનો ફોટો લગાવવાનો છે. તેમણે મારા કાનમાંથી નીચે મુજબના સોનાના દાગીના કાઢી લીધા હતા. આ દાગીનાનું કુલ વજન આશરે સવા તોલા અને કિંમત 50 હજાર રૂપિયા હતી. આ દાગીના આ શખસે પોતાની પાસે રહેલા પકડ વડે કાપી લીધા હતા.

ત્યારબાદ તેમણે મને કહ્યું કે, ચાલો, હવે આપણે છાણી બેંકમાં જવું પડશે. હું અને આ શખસ રિક્ષામાં બેસીને છાણીની રામાકાકા ડેરી પાસે ઉતર્યા હતા, ત્યાંથી ચાલતાં-ચાલતાં અમે બેંક ઓફ બરોડા પાસે પહોંચ્યા. આ શખસે મને કહ્યું હતું કે, માજી, તમે અહીં બેસો, હું બેંકમાં જઈને સહી-સિક્કા કરાવીને આવું છું. તેમ કહીને તે ક્યાંક ચાલ્યો ગયો હતો. આ બંને શખસો દ્વારા મારી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાય છે, અને મારા સોનાના દાગીના લઈને તેઓ ફરાર થયા છે. આ મામલે મેં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી આશિફખાન મહેબુબખાન પઠાણ, (રહે- મોટુ ફળીયુ, ઘુળેટા ગામ, તા-ઉમરેઠ જિલ્લો આણંદ) અને સલીમભાઈ ઈબ્રાહીમભાઈ મલેક, (રહે-વડોદરી ભાગોળ, સાવલી ગામ, જિલ્લો વડોદરા) ની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments