- મુસાફરો અટવાયા, વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ અપાશે
- ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની સ્થિતિ
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે આજે સવારે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે વડોદરાથી દિલ્હી જવા માટે રવાના થનાર મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે. આ અંગે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો તેઓને ટિકિટ રિફંડ કરવામાં આવશે.

આજે દિલ્હીથી વડોદરા આવનાર ફ્લાઇટ્સમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E6694/6695 અને એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI1701/1808 ખરાબ હવામાનના કારણે રદ કરવામાં આવી છે. બંને ફ્લાઇટ્સ દિલ્હીથી ઉડાન ભરી શકી નહીં, જેના કારણે વડોદરા એરપોર્ટ પર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

એરલાઇન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફ્લાઇટમાં આવનાર અને જનાર મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ સાથે દિલ્હી જનાર મુસાફરો વડોદરા કે અમદાવાદથી દિલ્હી જતી અન્ય ફ્લાઇટમાં મોકલવામાં આવશે.
ઉત્તર ભારતમાં ચાલી રહેલા ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની સ્થિતિ ઊભી થઈ છે. દિલ્હીથી આવનાર ઈન્ડિગોની ફ્લાઇટમાં આવનાર 64 અને વડોદરાથી દિલ્હી જનાર 77 મુસાફરો છે. જ્યારે એર ઈન્ડિયા તરફથી કોઈ યાદી આપવામાં આવી નથી.


