આસોજ ગામની સોસાયટીના મકાન અને પાર્કિંગમાંથી 11 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ

આસોજ ગામની જલારામનગર સોસાયટીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો

MailVadodara.com - Two-arrested-with-foreign-liquor-worth-Rs-11-lakh-from-Asoj-village-society-building-and-parking-lot-two-wanted

- દરોડા દરમિયાન 3295 બોટલ અને ટીન વિદેશી દારૂ તથા બિયર મળી આવ્યા

- પોલીસે આ ઉપરાંત 5 વાહનો અને 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 21,79,483ના મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા ગ્રામ્ય જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આસોજ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે વિદેશી દારૂ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 11 લાખના વિદેશી દારૂ સાથે કુલ 21 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે બે ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


આસોજ ગામની જલારામનગર સોસાયટીમાં આરોપી મોહિત અબ્બાસભાઈ વહોરાના નિવાસસ્થાને તેમજ તેના ઘરના પાર્કિંગ વિસ્તારમાં SMCની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાન અને પાર્કિંગમાંથી 3295 બોટલ અને ટીન વિદેશી દારૂ તથા બિયર મળી આવ્યા હતાં. પોલીસે આ ઉપરાંત 5 વાહનો અને 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 21,79,483ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે.

કાર્યવાહી દરમિયાન વસાવા મુલજીભાઈ મંગળભાઈ (રહે. આસોજ) અને મહેશ સીતાજી વણજારા (રહે. મંજુસર)ને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી મોહિત અબ્બાસભાઈ વહોરા અને પ્રકાશ પુનાભાઈ ગોહિલ હાલ ફરાર છે. તેમની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેર અને જિલ્લામાં ગેરકાયદે વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ એસએમસી દ્વારા અવારનવાર આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ અને પોલીસની ખાનગી એજન્સીઓ સામે અનેક સવાલો ઉભા થતા હોય છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments