- પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલો 240 નંગ જેની કિંમત 72,000, મોબાઇલ ફોન 2 નંગ, કિંમત 10,000 અને બાઇક 2 નંગ, કિંમત 1 લાખ મળી 1,82,000નો મદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા શહેરમાં બે બાઇકમાં ખાના બનાવી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડીને પહોંચાડવા આવતા બે શખસોને વડોદરા શહેર PCBએ ઝડપી પાડ્યા છે અને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


PCBના ASI જીજ્ઞેશકુમાર મથુરભાઇ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ હિમેશકુમાર રમેશચંદ્રને ગુપ્ત માહિતી મળી હતી કે, બે બાઇક (GJ-34-M-9180 અને GJ-06-NB-7712) પર બે શખસો ચલાવીને આવી રહ્યા છે. તેઓ બંને બાઇકમાં બનાવેલા ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને મકરપુરા ગામની જશોદા કોલોનીમાં રહેતા સુનીલ ઉર્ફે ચડ્રોને પહોંચાડવા માટે આવી રહ્યા છે.

આ શખસો નેશનલ હાઇ-વે નંબર 48થી મકરપુરા ગામ તરફના રસ્તે બળીયાદેવ મંદિર પાસેથી પસાર થવાના હતા. આ માહિતીના આધારે પોલીસે જગ્યા પર હાજર રહીને ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મીતેષભાઇ માનસિંગભાઇ રાઠવા, (રહે. પઢીયાર ફળીયુ, ગામ સિંગલા, તા. જિ. છોટાઉદેપુર) અને જયેશભાઇ અસલસિંગભાઇ રાઠવા, (રહે. ધમોડી ફળીયુ, ગામ લુણી, તા. જિ. છોટાઉદેપુર) બંને શખસોને પકડી ઇંગ્લીશ દારૂની બોટલો 240 નંગ જેની કિંમત રૂપિયા 72,000, મોબાઇલ ફોન 2 નંગ, કિંમત રૂપિયા 10,000 અને બાઇક 2 નંગ, કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ કિંમત રૂપિયા 1,82,000નો મદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


