- પોલીસે 38 હજાર રૂપિયાની કિંમતના 3 કિલો 840 ગ્રામ ગાંજા સહિત કુલ 1.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો, આ ગાંજો ઓડિશાથી વડોદરામાં વેચાણ માટે લવાયો હતો
વડોદરાના પરશુરામ ભઠ્ઠા પાસેથી સયાજીગંજ પોલીસે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 38 હજાર રૂપિયાની કિંમતના 3 કિલો 840 ગ્રામ ગાંજા સહિત કુલ 1.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગાંજો ઓડિશાથી વડોદરામાં વેચાણ માટે લવાયો હતો.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. દીપકકુમાર જબ્બારસિંગ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર કેસરભાઈને પેટ્રોલિંગ દરમિયાન સુભાષનગર ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ ઓટો રિક્ષાને રોકી તપાસ કરી હતી અને રિક્ષામાં બે ઇસમો નારાયણ કાલીયા ગૌડા (ઉ.વ. 19, રહે. ગુઆ ગામ, તા. સારોડા, બરગડ, ગંજામ, ઓડિશા) અને મીલન ઉર્ફે ગટ્ટી રમેશભાઇ પરમાર (ઉ.વ. 32, રહે. કિશનવાડી, આજવા રોડ, વડોદરા) હતા, જેમાંથી એકની પાસે ગ્રે કલરની બેગમાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે FSL અધિકારીની હાજરીમાં કાર્યવાહી પૂર્ણ કરી હતી.
સયાજીગંજ પોલીસે NDPS એક્ટની કલમ 8(સી), 20(બી), 29 મુજબ ગુનો નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ ફરાર આરોપી રંજન (રહે. બ્રહ્મપુર, ગંજામ, ઓડિશા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સયાજીગંજ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


