રથયાત્રામાં ભીડનો લાભ લઇ મહિલાઓના દાગીના ચોરનાર બાવરીયા ગેંગના બે સાગરીતો ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રાજસ્થાન-હરિયાણાની કુખ્યાત બાવરીયા ગેંગની સંડોવણી ખુલી હતી

MailVadodara.com - Two-accomplices-of-the-Bawariya-gang-who-stole-jewelry-from-women-by-taking-advantage-of-the-crowds-during-the-Rath-Yatra-have-been-arrested

- ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલવર (રાજસ્થાન) ખાતે સ્થાનિક વેશ ધારણ કરી રેડ પાડી આરોપી જિતેન્દ્રસિંહ બહાદૂરસિંહ બાવરીયા અને આરતી ધરમસિંગ બાવરીયાને ઝડપી લીધા હતા

- ગૂગલ મેપ અને ઓનલાઇન વિગતો દ્વારા આગામી સમયમાં ક્યાં મેળો, રથયાત્રા કે શોભાયાત્રા યોજાવાની છે તેનું આખું લિસ્ટ તૈયાર કરતા હતા

- આરોપીઓ પાસેથી ચોરાઉ 3 સોનાની ચેઇન, 1 મંગળસૂત્ર (કિંમત 4,50,571) તેમજ 10,000 નો મોબાઇલ મળી કુલ 4,60,571 નો મુદ્દામાલ કબ્જે કરાયો

વડોદરા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભીડનો ગેરલાભ ઉઠાવી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્રની તફડંચી કરનાર આંતરરાજ્ય બાવરીયા ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના અલવર ખાતે સ્થાનિક વેશમાં ઓપરેશન પાર પાડી એક મહિલા સહિત બે સાગરીતોને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 4.60 લાખથી વધુની કિંમતના 4 સોનાના દાગીના કબજે કરી રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલા 4 વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.


અષાઢી બીજે વડોદરામાં નીકળેલી રથયાત્રા દરમિયાન ગાંધીનગર ગૃહ પાસેથી પસાર થતા પ્રસાદીના વાહન નજીક ભારે ભીડ જામી હતી. આ ભીડનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ એક મહિલાના ગળામાંથી 64,800ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું, જે અંગે રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત અન્ય મહિલાઓ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચેઇન સ્નેચિંગનો ભોગ બની હોવાની ફરિયાદો સામે આવી હતી.

આ ઘટનાની ગંભીરતાને પગલે ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સ્કોર્પિયો કાર લઈને આવેલી રાજસ્થાન-હરિયાણાની કુખ્યાત બાવરીયા ગેંગની સંડોવણી ખુલી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલવર (રાજસ્થાન) ખાતે સ્થાનિક વેશ ધારણ કરી રેડ પાડી આરોપી જિતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરીયા અને આરતી ધરમસિંગ બાવરીયાને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી ચોરાઉ 3 સોનાની ચેઇન, 1 મંગળસૂત્ર (કિંમત 4,50,571) તેમજ 10,000 નો મોબાઇલ મળી કુલ 4,60,571 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસ પૂછપરછમાં બાવરીયા ગેંગની અત્યંત ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. ગેંગના સભ્યો વિવિધ રાજ્યોના મોટા સંતો અને ધાર્મિક સંસ્થાઓના સોશિયલ મીડિયા પેજ, વ્હોટ્સએપ કમ્યુનિટીમાં એક્ટિવ રહેતા હતા. ગૂગલ મેપ અને ઓનલાઇન વિગતો દ્વારા આગામી સમયમાં ક્યાં મેળો, રથયાત્રા કે શોભાયાત્રા યોજાવાની છે તેનું આખું લિસ્ટ તૈયાર કરતા હતા. સ્કોર્પિયો ગાડીમાં 6થી 7 સ્ત્રી-પુરુષોની ટોળકી સ્થળ પર પહોંચી ભીડમાં ભળી જતી અને માત્ર મહિલાઓના ગળામાંથી ઘરેણાં ઝૂંટવી પળવારમાં રફુચક્કર થઈ જતી હતી.

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી જિતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરીયા અગાઉ ભરતપુર ખાતે મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી આરતી ધરમસિંગ બાવરીયા અગાઉ બારલુત પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાઈ ચૂકી છે. આ ગુનામાં સંડોવાયેલા ગેંગના અન્ય સાત સાગરીતો ધરમસિંગ, બુગલા, ક્રિષ્નાબેન, કૌતરોબેન, મોટીબેન, શકુંતલા અને નેહાબેનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે આ તમામ સાગરીતોને ઝડપી પાડવા માટે વધુ તપાસ તેજ કરી શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments