- ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની તપાસ, ઈમેલ આઈડીની કડીથી રેકેટનું પગેરું મળ્યું
- સાત મોબાઈલ અને બે લેપટોપ સહિત સાધનો કબજે, અન્ય સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી
વડોદરા શહેરમાં સાયબર ક્રાઇમની ટીમે બેંક લોનના નામે નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કરી દિલ્હીથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. આ કૌભાંડીઓએ દિલ્હીમાં એક કોલ સેન્ટર શરૂ કરીને ત્યાં કેટલાય યુવાનોને નોકરી પર રાખ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા.

ઓનલાઇન છેતરપિંડી કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. સાયબર માફિયાઓ યેનકેન પ્રકારે લોકોને છેતરવાની નવી નવી સ્કીમ શોધી લેતા હોય છે. ત્યારે વડોદરામાં આવી છેતરપિંડી કરનારને સાયબર ક્રાઇમે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ, વડોદરાના બે અલગ-અલગ નાગરિકોને સસ્તી કે સરળ લોન અપાવવાની લાલચ આપીને આ ઠગોએ કુલ 18 લાખ 38 હજાર રૂપિયા અને 5 લાખ 29 હજાર રૂપિયાની મસમોટી રકમ પડાવી લીધી હતી.
સસ્તી લોન આપવાના બહાને અનેક લોકો નાગરિકો સાથે છેતરપિંડી કરે છે. ત્યારે આ મામલે વડોદરાના ભોગ બનનાર નાગરિકોની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તથા ઈમેલ આઈડીની કડીના આધારે દિલ્હી સુધી પહોંચી આ રેકેટનું પગેરું મેળવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીમાંથી જિતેન્દ્રકુમાર લાલચંદ મૌર્ય અને અભિષેકકુમાર હેમલકુમાર નામના બે આરોપીઓને દબોચી લીધા છે.
વડોદરા સાયબર ક્રાઇમના એસપી એમ એમ રાજપૂતે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 2 રાઉટર અને 5 સિમ કાર્ડ સહિતનો શંકાસ્પદ તથા ટેકનિકલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમની ટીમ બંને આરોપીઓને વડોદરા ખાતે લાવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તથા દેશના અન્ય કયા નાગરિકો આનો ભોગ બન્યા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.'


