- 50થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ગુમ થયેલા બે બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી જરૂરી કાર્યવાહી બાદ બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવાયું
વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા બે બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. બંને બાળકો શાળાએથી છૂટ્યા બાદ ઘરે જવાને બદલે ક્યાંક જતા રહ્યા હતા. બાળકો ઘરે પરત ન ફરતાં ચિંતિત માતા-પિતાએ આ અંગે વારસિયા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.
11 વર્ષના 2 બાળક વારસિયા વિસ્તારમાં આવેલા જૂના R.T.O. પાસેની આવેલ હરી સેવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. સાંજે આશરે 5.30 વાગ્યે શાળા છૂટ્યા બાદ તે ઘરે જવાને બદલે ક્યાંક જતા રહ્યા હતા. આ અંગે બાળકના માતા-પિતાએ પોલીસને જાણ કરતાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વાય. જી. મકવાણાએ જણાવ્યું હતું કે, અમે 50થી વધુ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી અને હ્યુમન સોર્સિસની મદદથી બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં બંને બાળકોને વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસેથી શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરી બંને બાળકોને તેમના પરિવારજનોને સોંપી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે.


