ઓનલાઇન ગેમમાં દેવું વધતા ATM તોડી રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ઝડપાઇ

ક્રાઇમબ્રાંચે ગુનાની તપાસ કરતાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણને ઇકો ગાડી સાથે ઝડપી પાડ્યા

MailVadodara.com - Trio-arrested-for-trying-to-break-into-ATM-and-steal-money-due-to-increasing-debt-in-online-game

- આરોપીઓએ સાંકરદા-ભાદરવા રોડ પર ઇન્ડિયા-1 ATM અને મંજુસર GIDC મેઇન રોડ પરના ઇન્ડિયા-1 ATMને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંનેમાં નિષ્ફળ રહ્યા હતા

- આરોપી ATM તોડવાની રીત આરોપી યુ-ટ્યુબમાંથી શીખ્યા, ઓક્સિજન સિલિન્ડર, ગેસ કટર, લોખંડની કોષ, મારૂતી ઇકો ગાડી મોબાઇલ ફોન સહિત 2.10 લાખનો  મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરના સાંકરદા-ભાદરવા રોડ પર આવેલ ઇન્ડિયા-1 ATM રૂમમાં અજાણ્યા ચોરોએ ગેસ કટરનો ઉપયોગ કરી ATM મશીન તોડી રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં તપાસ ક્રાઇમબ્રાંચે લઈ તપાસ કરતા ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શખસને ઝડપી પાડ્યા છે.


વડોદરા ક્રાઇમબ્રાંચ દ્વારા આ ગુનાની તપાસ કરતા તપાસ દરમિયાન એક શંકાસ્પદ મારૂતી ઇકો ગાડીની માહિતી મળી હતી. જેનો ઉપયોગ સરફરાજ યાશીનહુસેન સૈયદ નામનો વ્યક્તિ કરતો હોવાનું જણાયું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખબર પડી કે સરફરાજ તેના બે સાગરીતો સાથે ઇકો ગાડીમાં ATM તોડી રૂપિયા ચોરી કરવાના ઇરાદે કિશનવાડી રોડ, પારસ સોસાયટી પાસે જઈ રહ્યો હતો. દરમ્યાન ટીમે રાત્રે આ સ્થળે પહોંચી ઇકો ગાડીને કોર્ડન કરી રોકી અને તેમાં બેઠેલા ત્રણ વ્યક્તિની ઓળખ કરી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી સરફરાજ યાશીનહુસેન સૈયદ (ઉં.વ.28, રહે. ઠેકરનાથ સ્મશાન પાસે, કિશનવાડી રોડ, વડોદરા), સોહમ કાળીદાસ માળી (ઉં.વ.29, રહે. સહકારનગર, ઉકાજીનું વાડીયું, વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ, વડોદરા) અને મનિષ મુકેશભાઇ સોલંકી (ઉં.વ.29, રહે. જીવણનગર BSUP આવાસ, વાઘોડીયા રોડ, વડોદરા) ઝડપાડ્યા હતા. બાદમાં પૂછપરછ કરતા તેઓએ આ અંગે કબૂલ્યું હતું. આ ઉપરાંત પોલીસે ઓક્સિજન સિલિન્ડર (નંગ-1, કિંમત 5,000), ગેસ કટરની પાઇપ નોઝલ સાથે (કિંમત 1,500), લોખંડની કોષ, મારૂતી ઇકો ગાડી (કિંમત 1,50,000) અને વિવો અને નથિંગ કંપનીના મોબાઇલ ફોન (3, કિંમત 40,000) સહિત કુલ કિંમત રૂપિયા 2,10,000નો  મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


મુખ્ય આરોપી સરફરાજે ઓનલાઇન એવિએટર ગેમમાં આશરે 15 લાખ હારી ગયા હતા અને લોનના હપ્તા ચૂકવી ન શકતા હોવાથી તેના પર આર્થિક દબાણ હતું. તેણે ઝડપથી મોટી રકમ મેળવવા માટે ATM તોડવાનું નક્કી કર્યું હતું. ATM તોડવાની પદ્ધતિ યુ-ટ્યુબ વીડિયો જોઈને શીખી હતી. આરોપીઓએ 20/06/2025ના રોજ કપુરાઇ ચોકડી પાસે ગેસ વેલ્ડિંગની દુકાનમાંથી ઓક્સિજન સિલિન્ડર, ગેસ કટર અને અન્ય સાધનોની ચોરી કરી હતી. તેમણે ઇન્ડિયા-1 ATMને ટાર્ગેટ કર્યું કારણ કે તેમાં સિક્યુરિટી ગાર્ડ નહોતા.


21/06/2025ના રોજ સાંકરદા-ભાદરવા રોડ પરના ATMના CCTVના વાયર કાપી ગેસ કટરથી મશીન તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થયા. બાદમાં 24/06/2025ના રોજ મંજુસર G.I.D.C. મેઇન રોડ પરના ઇન્ડિયા-1 ATM પર પણ આવો જ પ્રયાસ કર્યો, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યા હતા. આરોપીઓ ફરીથી સિક્યુરિટી વગરના ATM તોડવાના ઇરાદે નીકળ્યા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા હતા. આરોપીઓ અને કબજે કરેલ મુદ્દામાલને તપાસ માટે નંદેસરી, મંજુસર અને કપુરાઇ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments