કપુરાઈ જંક્શન પર આજથી તા. 28 જાન્યુઆરીથી આગામી 20 દિવસ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અપાયો

શહેરના મુખ્ય જંક્શનો પર નવી વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી

MailVadodara.com - Traffic-diversion-has-been-imposed-at-Kapurai-Junction-from-today-January-28-for-the-next-20-days

- વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ

- કામગીરી દરમિયાન કપુરાઈ જંક્શન પર રસ્તો સિંગલ લેન અથવા જરૂરિયાત મુજબ સંપૂર્ણ બંધ પણ રાખવામાં આવી શકે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય જંક્શનો પર નવી વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે કપુરાઈ જંક્શન પર આજથી એટલે કે 28 જાન્યુઆરી 2026થી આગામી 20 દિવસ સુધી ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજથી શહેરના કપુરાઈ જંક્શન પર કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે આગામી 20 દિવસ કે કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તાને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન હેવી મશીનરી અને મજૂરોની અવરજવર સાથે વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કામગીરી દરમિયાન કપુરાઈ જંક્શન પર રસ્તો સિંગલ લેન રહેશે અથવા જરૂરિયાત મુજબ સંપૂર્ણ બંધ પણ રાખવામાં આવી શકે છે. આથી, વાહનચાલકોને તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો, ટ્રાફિક જામની સ્થિતિથી બચવા અગાઉથી આયોજન કરવું અને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કપુરાઈ ઉપરાંત ગોલ્ડન જંક્શન, આજવા જંક્શન, વાઘોડિયા જંક્શન અને તરસાલી જંક્શન પર પણ તબક્કાવાર આ પ્રકારની કામગીરી કરવામાં આવશે.

Share :

Leave a Comments