છાણી-ઉંડેરા વિસ્તારમાં વરસાદી ગટરની કામગીરીને પગલે મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ

10 ફેબ્રુઆરીથી શરૂ થયેલી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી માર્ગ રહેશે બંધ

MailVadodara.com - Traffic-banned-on-main-roads-due-to-storm-drain-work-in-Chhani-Undera-area

- છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીના રસ્તાને પાકો કરવાની કામગીરી શરૂ કરાઇ

- નાગરિકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મહાનગરપાલિકાએ અપીલ

ઉંડેરા તળાવથી સહજ એવન્યુ થઈ લક્ષ્મીપુરા તળાવ સુધી વરસાદી ગટરની કામગીરી શરૂ

વડોદરા મહાનગરપાલિકાની વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના ઉંડેરા અને છાણી વિસ્તારોમાં RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન (વરસાદી ગટર) તથા અન્ય વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીને પગલે કેટલાક મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર માટે તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાગરિકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મહાનગરપાલિકાએ અપીલ કરી છે.

ઉંડેરા તળાવથી સહજ એવન્યુ થઈ લક્ષ્મીપુરા તળાવ સુધી RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન બનાવવાની કામગીરી 10 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી છે. ભારે મશીનરી અને બાંધકામ સામગ્રીના કારણે આ માર્ગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત છાણી તળાવથી ન્યાસા થઈ કેનાલ સુધીના 24 મીટર પહોળા માર્ગ પર કાચા કાંસને પાકા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે 18 મીટર/24 મીટર રોડ જંક્શનથી STP (સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) તરફ, દુમાડ તરફ જતો માર્ગ પણ તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ તરીકે કેનાલ બાજુનો સર્વિસ રોડ તેમજ આસપાસના અન્ય પેટા રસ્તાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગોત્રી મેઈન રોડ (વુડા) તરફથી આવતા વાહનોએ લોટસ પ્લાઝા થઈ આઈ.ટી.આઈ. તરફના રોડનો ઉપયોગ કરવો. દર્શનમ ક્લબ લાઈફ વિસ્તાર તરફથી આવનાર વાહનોએ પંચવટી કેનાલ મારફતે પંચવટી ચાર રસ્તા તરફ જવાનું રહેશે, જ્યારે કલ્પની સંગવુડ કેફે તરફથી આવનાર વાહનોએ અંકોડીયા કેનાલ તરફના માર્ગનો ઉપયોગ કરવો પડશે.

મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે કામગીરી ઊંડાઈમાં થતી હોવાથી પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા તેમજ સુરક્ષિત અંતર જાળવવા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે.

Share :

Leave a Comments