- બાકીના હથિયારો સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, સિક્યુરિટી વગેરે) અને રમતવીરોને નિયમ મુજબ મુક્તિ અપાઇ, 4,261 શખસો સામે અટકાયતી પગલાં લેવાયાં
આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરામાં ચૂંટણી ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રેન્જ આઈ.જી. અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ 1 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વડોદરા ગ્રામ્યમાં કુલ 718 પરવાનેદાર હથિયારો છે. જેમાંથી 658 હથિયારો પોલીસ મથકે જમા લેવાયા છે. બાકીના હથિયારો સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, સિક્યુરિટી વગેરે) અને રમતવીરોને નિયમ મુજબ મુક્તિ આપવામાં આવી છે.
આ સાથે પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત દેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો હતો. ગ્રામ્ય પોલીસે કુલ 595 કેસો નોધ્યા છે. જેમાં દેશી દારૂ 2248 લિટર, વિદેશી દારૂની 18043 બોટલ (કિંમત 88.16 લાખ) મળી કુલ 1.54 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સાથે ગ્રામ્ય પોલીસે અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મોટા પાયે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. વિવિધ ધારા હેઠળ 4261 શખસો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. આ સાથે 565 ઈસમો પાસે સારી વર્તણૂક અંગેના જામીન લેવડાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 434 (Non-Bailable) વોરંટની બજવણી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 15 ચેકપોસ્ટ પર સઘન વ્હીકલ ચેકિંગ હાથ ધરી 19409 વાહનોની તપાસ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 25 કેસ અને 43 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.


