- મૃતકની પત્ની અને સાસરિયાઓ રોકડ અને દાગીના પડાવી બે માસથી ત્રાસ આપતા હતા
- રેલવે પોલીસે ફરિયાદ આધારે મૃતક નરેશની પત્ની લક્ષ્મી, સાસુ-સસરા, સાળો રમેશ, ગોપાલ, જીજાજી ગણેશ રુપારામ અને સાળી ગણેશની પત્નીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
સાસરિયાઓના ત્રાસથી કંટાળીને લગ્નના માત્ર છ માસમાં જ મૂળ રાજસ્થાનના પરંતુ હાલ મહારાષ્ટ્રમાં રહેતા વેપારી યુવાને વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હતું.
રાજસ્થાનના મૂળ વતની પરંતુ હાલ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મીડકલીમાં પતંગસિટિ ખાતે રહેતા પ્રકાશ શકરામ ચૌધરીએ વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારો નાનો ભાઇ નરેશ (ઉ.વ.૨૬) કરિયાણાની દુકાન ધરાવીએ છે. મારા ભાઇ નરેશે છ માસ પહેલાં અમારા પિતૃક ગામમાં રહેતી લક્ષ્મી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતાં. લક્ષ્મીના લગ્ન અગાઉ થયા હતા અને સંતાનમાં એક પુત્રી હતી જેથી લગ્ન બાદ મારો ભાઇ લક્ષ્મી અને તેની પુત્રીને અમારા ઘેર લઇ આવ્યો હતો.
તા.૩ ડિસેમ્બરના રોજ બપોરે લક્ષ્મીના પિયરપક્ષના સભ્યો મારી દુકાન પર આવી અમો લક્ષ્મીને મળવા આવ્યા છે, માત્ર પાંચ મિનિટ વાત કરીને જતા રહીશું તેમ કહ્યું હતું. બાદમાં તેમણે લક્ષ્મી સાથે એકલા વાત કરી જણાવેલ કે તેના માતા-પિતા બીમાર હોવાથી થોડા દિવસો રાજસ્થાન લઇ જવા માગીએ છીએ. મેં લક્ષ્મીને ચાર દિવસ બાદ મોકલવાનું કહી મારા ભાઇ નરેશને ફોન કરી બોલાવ્યો હતો. નરેશ ઘેર આવીને લક્ષ્મીને મળ્યો હતો અને બાદમાં જણાવેલ કે હું પણ લક્ષ્મી સાથે જઉં છું. બાદમાં તે દિવસે સાંજે તેઓ બધા રાજસ્થાન જવા માટે નીકળ્યા હતાં.
તા.૪થીએ સવારે મેં નરેશ સાથે વાત કરી ત્યારે તેણે પોતે વડોદરા રેલવે સ્ટેશન પાસેની એક હોટલની રૂમમાં છું તેમ કહ્યું હતું. બાદમાં બીજા દિવસે સવારે આઠ વાગ્યે હું ઊંઘમાંથી જાગ્યો ત્યારે મારા ભાઇના વોટ્સએપ પરથી કેટલાક વીડિયો તેમજ મેસેજો સવારે છ વાગ્યે કરેલા મને મળ્યા હતાં. આ વીડિયોમાં તેણે પોલીસને નિવેદન કર્યુ હતું કે, મારી પત્ની લક્ષ્મી તેમજ તેના પિયરપક્ષના સભ્યોએ છેલ્લા બે માસમાં મને પૈસા તેમજ દાગીના અંગે હેરાન કરી માનસિક ત્રાસ આપી મારી પાસેથી રૂા.૫થી ૭ લાખ પડાવ્યા છે અને ખોટી વિગતો જણાવી મને રાજસ્થાન જવાનું કહી વડોદરા લાવ્યા છે અને મને તેમજ મારા પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કેેટલાક કાગળો પર લખાણ કરાવી મારી સહી પણ કરાવી લીધી છે.
ઉપરોક્ત વીડિયો તેમજ મેસેજો જોયા બાદ મેં તુરંત મારા ભાઇને ફોન લગાવતા રિંગ વાગતી હતી અને બીજી વખત ફોન લગાવતા પોલીસે ઊંચક્યો હતો. પોલીસે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-૬ની ઉત્તરે ટ્રેન નીચે ઝંપલાવી નરેશે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત વિગતોના આધારે રેલવે પોલીસે મૃતક નરેશની પત્ની લક્ષ્મી, સાસુ, સસરા, સાળો રમેશ, ગોપાલ, જીજાજી ગણેશ રુપારામ અને સાળી ગણેશની પત્નીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


