- એરપોર્ટથી પેવેલિયન સુધી ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવાઈ, 14 DCP અને 17 ACP દેખરેખ રાખશે
વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે. વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાનના આગમનથી લઈને તેમના કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અને સંકલન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરીને એક વ્યાપક બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ પેવેલિયન સુધીના સમગ્ર રૂટ પર અત્યંત ચુસ્ત અને ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપતા શહેરમાં લગભગ બે હજારથી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. વહીવટી અને સુરક્ષા દ્રષ્ટિએ સમગ્ર વિસ્તારને અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેની સીધી દેખરેખ 14 ડીસીપી અને 17 એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો પણ સ્થળ પર સતત પેટ્રોલિંગમાં રહેશે.
સુરક્ષાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના તમામ સંવેદનશીલ સ્થળો, હોટલો, ગેસ્ટ હાઉસ તેમજ શહેરના પ્રવેશદ્વારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. વાહનોનું સઘન ચેકિંગ અને શંકાસ્પદ હિલચાલ પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, વડાપ્રધાનના રૂટ પર સામાન્ય જનતાને વાહનવ્યવહારમાં કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડાયવર્ઝનનું આયોજન કરવામાં આવ્યું છે. વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરીને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


