- સાંજે શો-રૂમ બંધ કરવાના સમયે ઘરેણાંનું કાઉન્ટિંગ કરતા 8 બંગડીનો હિસાબ ન મળતાં સીસીટીવી ચેક કરતાં ત્રણ મહિલાઓ પૈકી એકે આ બંગડીઓ ચોરી કરતા જોવા મળી હતી

વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા જવેલર્સના શો-રૂમમાં 3 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. ત્યારબાદ સેલ્સમેનને સોનાની બંગડીઓ બતાવવાનું કહીને 10 લાખ રૂપિયાની કિંમતની 8 સોનાની બંગડીઓ હાથ ચાલાકી કરીને ચોરી કરી લીધી હતી. ગણતરી કરતી વખતે 8 બંગડીઓ ઓછી જણાતા શો- રૂમના સીસીટીવી ચેક કર્યા હતા ત્યારે ખરીદી કરવા આવેલી ત્રણ મહિલાઓ પૈકી એકે આ બંગડીઓ ચોરી કરતા જોવા મળી હતી. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન ચાર રસ્તા પાસે નિશાબેન રવિન્દ્ર દેવળાલીકરે ફરિયાદ નોધાવી છે કે, હું અલકાપુરી જેતલપુર રોડ ખાતે આવેલ પી.એન.ગાડગીલ એન્ડ સન્સ લિમીટેડ જવેલર્સનો શો-રુમમાં છેલ્લા એક વર્ષથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરુ છું. ગત 8 ઓક્ટોબરના રોજ હું મારી નોકરી ઉપર સવારના સમયે આવ્યો હતી અને શો-રૂમમાં ઘરેણા ખરીદ કરવા આવતા ગ્રાહકો સાથે ડિસ્કાઉન્ટ અને ઘરેણા બતાવવાની કામગીરી કરતી હતી. આ સમયે સેલ્સમેનો વારાફરતી જમવા માટે જતા હતા.

આ દરમિયાન બપોરના સમયે 3 મહિલા ગ્રાહકો આવ્યા હતા અને અમારા સેલ્સમેન જમવા માટે ગયા હતા. જેથી મે તેઓને પુછતા તેઓએ મને કહ્યું હતું કે, અમને સોનાની બંગડી બતાવો જેથી મે તેઓને સોનાની બંગડી બતાવી હતી. પરંતુ, તેઓને પસંદ આવી નહોતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.
અમારા શો-રૂમમાં ઘરેણાનું કાઉન્ટિંગ સવારે શોરૂમ ખોલવાના સમયે અને સાંજના શો-રૂમ બંધ કરવાના સમયે થતુ હોય છે, ત્યારે સાંજના 8.30 વાગે ઘરેણાનું કાઉન્ટિંગ કરતા હતા. આ દરમિયાન સોનાની 8 બંગડીનો હિસાબ મળતો નહોતો, જેથી અમે CCTV જોતા અમને ખબર પડી હતી કે, એક મહિલાએ નજર ચૂકવીને કાઉન્ટર પર પડેલ રૂ. 10.01 લાખની કિંમતની સોનાની 8 બંગડી ચોરી કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, ત્યારબાદ પસંદ નથી, તેવુ કહીને તેઓ ત્યાંથી જતા રહી હતી. જેથી આ મામલે મેં અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને અકોટા પોલીસે ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


