- બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ સિનિયર સિટિઝનને કહ્યું, આટલી બધી ચોરીઓ થાય છે, તેમ છતાંય તમને આટલું સોનુ પહેરીને કેમ નીકળ્યા છો? કાઢી કાગળમાં મૂકી દો..!
વડોદરા શહેરમાં આવેલા ફતેપુરા સ્થિત પોસ્ટ ઓફિસ ગયેલા સિનિયર સિટિઝનને વાતોમાં પરોવી તેમના સોનાના ચાર તોલા ઉપરાંતના વજનના દાગીના પડાવીને ત્રણ ઠગ ફરાર થઇ ગયા હતા. જે અંગે પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ડભોઇ વાઘોડિયા રીંગ રોડ મહેશ નગર સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના પુજાભાઇ હિરાભાઇ રોહિતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે ૧૧ વાગ્યે હું મારા ઘરેથી બાઇક લઇને ફતેપુરા પોસ્ટ ઓફિસ પૈસા ઉપાડવા માટે ગયો હતો. પૈસા ઉપાડીને પોણા બાર વાગ્યે હું ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલી દુકાનમાંથી શ્રીફળ ખરીદીને ઘરે જવા યાકુતપુરા થઇને પાણીગેટ, આયુર્વેદિક ત્રણ રસ્તા થઇ સ્વામિ નારાયણ નગર સોસાયટી ત્રણ રસ્તા થઇને જતો હતો. તે દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ મને ઉભો રાખી જણાવ્યું હતું કે, આટલી બધી ચોરીઓ થાય છે. તેમ છતાંય તમને આટલું સોનુ પહેરીને કેમ નીકળ્યા છો ? દાગીના કાઢીને તમે ખિસ્સામાં મૂકી દો. બાઇક સવારે તેની પાસેના કાગળમાં દાગીના મૂકી દેવાનું કહેતા મેં દાગીના કાગળમાં મૂકી દીધા હતા. તે દરમિયાન ત્રીજા વ્યક્તિએ આવીને કહ્યું કે, તમારી પાસે રૂમાલ હોય તો દાગીના તેમાં મૂકી દો. મેં ખિસ્સામાંથી રૃમાલ કાઢી ત્રીજા વ્યક્તિને દાગીના તેમાં મૂકવા માટે આપ્યા હતા. ત્યારબાદ તેણે મને રૂમાલ પરત આપતા મેં રૂમાલ મારા ખિસ્સામાં મૂકી દીધો હતો. મેં ઘરે આવીને રૂમાલ ખોલતા તેમાંથી સોનાના નકલી દાગીના મળી આવ્યા હતા.


