મકરપુરામાં ટેન્કરમાંથી એસિડિક પ્રવાહી ઠાલવતા ત્રણ ઝડપાયા, ટેન્કર સહિત 10.13 લાખનો મુદ્દામાલ જપ્ત

GPCBના અધિકારીઓની હાજરીમાં તપાસ, નમૂનામાં પ્રવાહી એસિડિક હોવાનું બહાર આવ્યું

MailVadodara.com - Three-people-caught-dumping-acidic-liquid-from-a-tanker-in-Makarpura-goods-worth-10-13-lakh-including-the-tanker-seized

- પોલીસે પ્રવાહી ભરેલું ટેન્કર, પ્રવાહી ભરેલા બે કારબા અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10.13 લાખનો મુદ્દામાલ તપાસના કામે કબજે લીધો, કપુરાઈ પોલીસે પર્યાવરણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો

વડોદરા શહેરના મકરપુરા ક્રિશ્ચિયન કબ્રસ્તાન સામે નેશનલ હાઇવે નંબર-8 નજીક ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવાની પ્રવૃત્તિ સામે એલસીબી ઝોન-3ની ટીમે કાર્યવાહી કરી ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. જીપીસીબીના અધિકારીઓની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન ટેન્કરમાંથી પ્રવાહી છોડવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જીપીસીબીના નમૂનાના અહેવાલમાં પ્રવાહી એસિડિક પ્રકૃતિનું હોવાનું બહાર આવ્યું છે, જે પર્યાવરણ અને પાણીના સ્ત્રોતો માટે જોખમી બની શકે છે.
17 ઓગસ્ટના રોજ સવારે 9થી બપોરે 1.30 વાગ્યા દરમિયાન એલસીબી ઝોન-3, વડોદરા શહેરની ટીમને બાતમી મળી હતી કે મકરપુરા ક્રિશ્ચિયન કબ્રસ્તાન સામેની જગ્યાએ કેટલાક લોકો ટેન્કરમાં રહેલું ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવા આવનાર છે. જેના આધારે પોલીસે જીપીસીબીના અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન રાજેશ ભુરસિંગ પારગી, ઇન્દ્રજીત ઈકબાલસિંગ સરદાર અને મેઘા સિંધા ભરવાડ ટેન્કરમાંથી પ્રવાહી છોડતા હોવાનું નજરે પડ્યું હતું. પોલીસે પ્રવાહી ભરેલું ટેન્કર, પ્રવાહી ભરેલા બે કારબા અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10.13 લાખનો મુદ્દામાલ તપાસના કામે કબજે લીધો છે.
જીપીસીબી દ્વારા લેવામાં આવેલા પ્રવાહીના નમૂનાના અહેવાલમાં વોટર વેસ્ટ એસિડિક પ્રકૃતિનું હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારનું પ્રવાહી નદી, તળાવ, નાળા, ભૂગર્ભ જળ અને જમીનને નુકસાન પહોંચાડી શકે છે. જીપીસીબીના અહેવાલના આધારે માનવજીવનને જોખમમાં મૂકે તેવી રીતે પ્રવાહી ઠાલવવાની પ્રવૃત્તિ અને બેદરકારી મામલે કપૂરાઈ પોલીસે ત્રણેય આરોપીઓ સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ અગાઉ કેટલી વખત આ પ્રકારની પ્રવૃત્તિ કરી ચૂક્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ કેમિકલયુક્ત પ્રવાહી સાથે સંકળાયેલી કંપનીના સંચાલકની સંડોવણી છે કે કેમ અને પ્રવાહી ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.    

Share :

Leave a Comments