- ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
- સમગ્ર સ્કૂલ પરિસરમાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરાની સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળતાં પોલીસતંત્ર દોડતું થયું હતું. વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા બાદ સ્કૂલ સ્ટાફને પણ રજા આપી દેવામાં આવી હતી. બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્કૂલમાં તપાસ હાથ ધરી હતી. બોમ્બ જે ઇમેલ પરથી આવ્યો હતો તેના IP એડ્રેસ દ્વારા મોકલનાર સુધી પહોંચવાની પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આ જ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો. સતત 6 મહિનામાં બીજીવાર મેલ મળતા બાળકોના વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે.


વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળતાં ફરી એકવાર દોડધામ મચી ગઈ છે. આ ઘટના સતત બીજી વખત બની હોવાથી વાલીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. અજાણ્યા ઇસમે ઈ-મેલ દ્વારા ધમકી આપતાં તાત્કાલિક ધોરણે શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓ પોતાનાં સંતાનોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ- સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શાળા પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી, જોકે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વાલીઓ અને જનતા આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.


વાલીઓને સ્કૂલ તરફથી મેલ કરી જાણ કરવામાં આવી હતી કે થોડીવાર પહેલાં ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. NISVમાં અગાઉ અનુભવાયેલી આ ખોટી વાત હોઈ શકે છે, પરંતુ અમે કોઈ જોખમ લેતા નથી. પોલીસને જાણ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમ્પસનું સેનિટાઇઝેશન શરૂ થઈ ગયું છે. સાવચેતીનાં પગલાં તરીકે, બધા વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ઘરે મોકલવા માટે બસો અને વાન બોલાવવામાં આવી છે. તેઓ સવારે 9.15 વાગ્યા સુધીમાં કેમ્પસ છોડી દેશે. જે માતા-પિતા દિવસના અંતે તેમનાં બાળકોને લેવા આવે છે તેઓ સવારે 9.15 વાગ્યા સુધીમાં લેવા આવી શકે છે. હું બધા વાલીઓને વિનંતી કરું છું કે આ તબક્કે શાળાને ટેકો આપે. કૃપા કરીને ગભરાટ ફેલાવશો નહીં અને બહાર રસ્તાઓ બ્લોક કરશો નહીં.


ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલમાં બોમ્બ મુકાયાનો એક ઇ-મેલ મળ્યો હતો અને એમાં દર્શાવાયું હતું કે સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને સ્કૂલમાં બપોરે 2 વાગ્યા સુધીમાં એ બોમ્બ ફાટી જશે. એને પગલે બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ધમકીભર્યા મેસેજને પગલે સ્કૂલમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી. અમે આખી સ્કૂલને ચેક કરી રહ્યા છે.



વિદ્યાર્થીના વાલી આફરીને જણાવ્યું હતું કે, આજે સવારે 9 વાગ્યાને 7 મિનીટે સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો કે, સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, તમે તમારા બાળકને લઇ જાવ. જેથી હું દોડતા દોડતા સ્કૂલમાં આવી. આ પહેલા પણ આ સ્કૂલમાં જ બોમ્બની ધમકીનો ઇમેલ આવ્યો હતો. એ વખતે પણ અમે દોડતા દોડતા બાળકોને લેવા માટે પહોંચ્યા હતા. અમારી માંગણી છે કે, આવી પરિસ્થિતી ફરી ઉભી ન થાય તે માટે એક્શન લો. સ્કૂલ સારી છે, પણ અહીં મોટી સંખ્યામાં બાળકો ભણતા હોવાથી મેનેજમેન્ટે જરૂરી પગલાં ભરવા જોઇએ. અમને બાળકોની ચિંતા થાય છે.


સમા નવરચના સ્કૂલના સિનિયર મેનેજિંગ એડમિનિસ્ટ્રેટર બીજુ કુરીયને જણાવ્યું હતું કે, આજે સવારે 6.50 વાગ્યે સ્કૂલમાં બોમ્બ મુકાયો હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી અમે તુરંત પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવીને ચેકિંગ શરુ કર્યું હતું. બાળકોને પણ સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી. મેલ કોણે મોકલ્યો છે, તેની પોલીસે તપાસ શરૂ કરી રહી છે. તેનો આઇપી એડ્રેસ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


