ગોત્રીમાં હેલી એવન્યુના બંધ ફ્લેટનો નકુચો તોડી તસ્કરો રૂા.9.21 લાખની મત્તા અને 2,500 ડોલર ચોરી ફરાર

બંધ ફ્લેટમાંથી વિદેશી ચલણ સહિત કિંમતી મત્તાની ચોરી

MailVadodara.com - Thieves-broke-the-latch-of-a-locked-flat-at-Haily-Avenue-in-Gotri-stole-valuables-worth-Rs-9-21-lakh-and-$2500-and-fled

- બેડરૂમની તિજોરી અને લોકરમાંથી દાગીના-રોકડ ગાયબ, ફરિયાદ આધારે પોલીસ તપાસ શરૂ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા હેલી એવન્યુના એક બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના, રોકડ અને અમેરિકન ડોલરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફ્લેટના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘૂસેલા તસ્કરોએ બેડરૂમમાં આવેલી તિજોરી અને લોકરમાંથી કિંમતી મત્તા ચોરી હતી. આ બનાવમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ. 9.21 લાખની મત્તા ઉપરાંત 2,500 અમેરિકન ડોલરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના ગોત્રીના અયપ્પા ટેમ્પલ પાસે આવેલા હેલી એવન્યુમાં રહેતાં ફાલ્ગુનીબેન મુકેશ વિશ્વાસરાવ ચવાન (ઉં.વ. 51) ઘરકામ કરે છે. તેમના જ ફ્લેટમાં બીજો ફ્લેટ નંબર 204 આવેલો છે, જેમાં સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન રાખવામાં આવ્યો હતો. તેમના પતિ આફ્રિકાના કોંગોમાં નોકરી કરે છે અને ગત 10 ઓક્ટોબરે વડોદરા આવ્યા બાદ રવિવારે અમદાવાદ ગયા હતા.

ફાલ્ગુનીબેન 18 ઓક્ટોબરે બપોરે સવા બાર વાગ્યાના અરસામાં પુત્રનો ઝભ્ભો લેવા ફ્લેટ નંબર 204માં ગયાં ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતાં સામાન વેરવિખેર પડ્યો હતો અને બેડરૂમમાં તિજોરીનો સામાન પણ અસ્તવ્યસ્ત હતો. તપાસ કરતાં સોનાનું મંગળસૂત્ર, ચેન, વીંટીઓ, લગડીઓ, પેન્ડલ, બુટ્ટીઓ, ચાંદીની લગડીઓ, વાસણો, મૂર્તિઓ, સિક્કા, રોકડ રૂ. 1.25 લાખ સહિતની મત્તા ગાયબ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત 2,500 અમેરિકન ડોલર પણ ચોરાઈ ગયા હતા.

પાડોશમાં રહેતાં બીનાબેન દવેએ 15 ઓક્ટોબરની વહેલી સવારે સાત વાગ્યે તેમના ઘરના દરવાજાની સ્ટોપર બહારથી બંધ હોવાનું અને ફ્લેટ નંબર 204નો દરવાજો ખુલ્લો હોવાનું જોયું હતું. આથી ચોરી 15 ઓક્ટોબરના સવારે સાત વાગ્યા પહેલાં થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments