- જાહેર માર્ગો પર વાહનવ્યવહાર સરળ બનાવવા આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે
- રિક્ષા ડિટેઇન કરાતા એસોસિયેશને સ્ટેશન વિસ્તારમાં અલગ પાર્કિંગ ફાળવવાની માગ કરી
વડોદરા શહેરના હાર્દ સમાન રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની કાયમી સમસ્યા અને નિયમોના ધજાગરા ઉડાડતા રિક્ષા ચાલકો સામે આજે વડોદરા ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હતી. સ્ટેશન વિસ્તારમાં સર્જાતી વાહનવ્યવહારની અડચણોને દૂર કરવા માટે ટ્રાફિક શાખા દ્વારા એક ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રસ્તા પર આડેધડ પાર્કિંગ કરી મુસાફરોની સલામતી જોખમાવતા અને ટ્રાફિકને રુંધતા રિક્ષા ચાલકો સામે કડક પગલાં ભરી અંદાજે 100 જેટલી રિક્ષાઓને સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવી હતી.
સ્થાનિક રહીશો અને વાહનચાલકો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે સ્ટેશન પરિસરમાં તેમજ તેની આસપાસ રિક્ષા ચાલકો બેફામ રીતે વાહનો હંકારી રહ્યા છે અને મુખ્ય માર્ગો પર આડેધડ પાર્કિંગ કરીને વાહનવ્યવહાર અવરોધે છે. આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રાફિક પોલીસે અચાનક દરોડા પાડી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ડ્રાઇવ દરમિયાન માત્ર આડેધડ પાર્કિંગ કરનાર જ નહીં, પરંતુ યોગ્ય લાયસન્સ, પરમિટ, પીયુસી કે અન્ય જરૂરી દસ્તાવેજો વગર વાહન ચલાવતા રિક્ષા ચાલકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા અને તેઓને દંડનીય મેમો ફટકારી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
ટ્રાફિક પોલીસની આ અચાનક અને કડક કાર્યવાહીથી સ્ટેશન વિસ્તારના અસામાજિક કે નિયમભંગ કરતા રિક્ષા ચાલકોમાં ભારે ફાળ પડી ગઈ હતી. પોલીસે સ્પષ્ટ ચીમકી આપી છે કે શહેરના જાહેર માર્ગો પર વાહનવ્યવહાર સરળ રહે અને મુસાફરોની સુરક્ષા જળવાય તે માટે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વાહનચાલકને બક્ષવામાં આવશે નહીં.
તો બીજી તરફ વડોદરા રિક્ષા એસોસિયેશન દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવે છે સ્ટેશન વિસ્તારમાં તેઓ માટે અલાયદુ પાર્કિંગ ફાળવવામાં આવે. રિક્ષા ચાલકો આ અંગે પોલીસ કમિશનર તેમજ કોર્પોરેશનને પણ લેખિતમાં જાણ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.


