- કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો દ્વારા અંતિમ દિવસે કમાટીબાગ ખાતે ફોટો સેશન યોજાયું
વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ પૂર્ણ થઇ છે. આજથી પાલિકામાં વહીવટદારનું શાસન જોવા મળશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં કેટલાક પદાધિકારીઓએ પોતાના સામાનના પોટલા બાંધી પોતાની સાથે લઇ જવાની તૈયારી કરી દીધી હતી તો અધિકારીઓએ પણ જરૂરી કાગળો અને ફાઈલો વ્યવસ્થિત સુરક્ષિત જગ્યાએ મૂકવાની તૈયારીઓ કરી દીધી છે.
કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો દ્વારા અંતિમ દિવસે કમાટીબાગ ખાતે ફોટો સેશનનું આયોજન કર્યું હતું. તમામ કોર્પોરેટર ભેગા થયા હતા અને 5 વર્ષની યાદો વાગોળી હતી. તમામે એકબીજા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. કોર્પોરેશનની ચૂંટણી હજુ સુધી જાહેર નથી થઇ ત્યારે આગામી સમયમાં વર્તમાન બોર્ડના કેટલા સભ્યો રિપીટ થાય છે અને કોની આ અંતિમ ટર્મ હશે તેની પણ કાનાફૂસી જોવા મળી હતી.

વડોદરા મહાનગરપાલિકાનું વર્તમાન બોર્ડ શરૂઆતથી જ ચર્ચામાં રહ્યું હતું. પાલિકામાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી હતી અને તેના કારણે કેટલીક વખત તો પ્રદેશ કક્ષાની નેતાગીરીએ પણ દરમિયાનગીરી કરવી પડી હતી. ક્યારેક આંતરિક જૂથબંધી તો ક્યારેક વિવાદાસ્પદ નિવેદનોના કારણે વર્તમાન પદાધિકારીઓ ચર્ચામાં રહ્યા હતા. એકબીજાના ટાંટિયા ખેંચવામાં આ બોર્ડે કોઈ કચાશ રાખી ન હતી અને તેના કારણે કેટલાક પદાધિકારીઓ અને સભ્યો તો મોવડી મંડળ માટે માથાના દુખાવા સમાન બની ગયા હતા.
આગામી સમયમાં ચૂંટણી જાહેર થશે. આ વખતે ચૂંટણીઓમાં અનામતની નવી જોગવાઈઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. અન્ય પછાત વર્ગો OBC માટે અનામત 10%થી વધારીને 27% કરવામાં આવી છે, જ્યારે મહિલાઓ માટે 50% બેઠકો અનામત રહેશે. આ નવા ફેરફારોને કારણે રાજકીય પક્ષોએ નવા ચહેરાઓને તક આપવી પડશે અને ઉમેદવારોની પસંદગીમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે ત્યારે આજે અંતિમ દિવસે અનેક લોકો પોતે રિપીટ નથી જ થવાના તેમ સમજીને જ દુભાયેલા મને ઘરે પરત ફર્યા હતા.


