- શનિવારે બાઈક લઈને નીકળ્યા બાદ યુવક ગુમ થયો હતો, મોબાઈલ સ્વિચ ઓફ આવતા પરિવારજનોએ રાતભર શોધખોળ કરી
- રવિવારે બાઈક રોડની બાજુથી મળી, ખિસ્સામાંથી પર્સ અને બાઇકની ચાવી મળી
વાઘોડિયા તાલુકાના વલવા નર્મદા કેનાલ બ્રિજના કેનાલ સર્વિસ રોડની સાઇડમાં આવેલી ઝાડી-ઝાંખરામાંથી ગંભીરપુરાના આશરે 40 વર્ષીય યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. ઠાકોર સંજયસિંહ ઉમેદસિંહ (રહે. ગંભીરપુરા તા. વાઘોડિયા) પાદરા પાસેના લુણા વિસ્તારમાં આવેલી બીડીઆર ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ બુધવારથી કોઈ કારણસર નોકરીએ જતા ન હતા. પરિવારમાં માતા અને પત્ની સાથે તેઓ રહેતા હતા. તેમના બે દીકરા અભ્યાસ અર્થે બહાર ગામ રહે છે.
શનિવારે ખેતરમાં કામકાજ પતાવી સાંજે ઘરે પરત આવ્યા હતા. સાંજે સાત વાગ્યા પછી બાઈક લઈ ગુમ થયા હતા. પરિવારે મોબાઈલથી સંપર્ક કર્યો પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. રાતભર પરિવાર અને મિત્રોએ શોધખોળ કરી હતી. મોડી રાત સુધી ન મળતાં વાઘોડિયા પોલીસને મૌખિક રજૂઆત કરી હતી. રવિવારે સવારે તેમની બાઈક વલવા નર્મદા બ્રિજ રોડની બાજુમાં પાર્ક કરેલી મળી આવી હતી. આસપાસ તપાસ કરતા થોડે દૂર ઝાડી-ઝાંખરામાંથી શંકાસ્પદ હાલતમાં સંજયસિંહનો મૃતદેહ મળ્યો હતો.
મૃતકની એડી પાસે છોલાવાનો ઘા જોવા મળ્યો હતો. એક આંખ ફૂટેલી હાલતમાં હતી. ગ્રામજનોએ વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. મૃતકના શરીરની તપાસ દરમિયાન કપડાં ભીંજાયેલા મળ્યા હતા. પગરખાં ગાયબ હતા. ખિસ્સામાંથી પર્સ અને બાઇકની ચાવી મળી હતી.
ગામ લોકોને હત્યાની આશંકા હતી. મૃતદેહ શંકાસ્પદ રીતે મળતા લોકોમાં અનેક શંકા-કુશંકા ઊભી થઈ હતી. આખરે વાઘોડિયા પોલીસે ગ્રામજનો અને આગેવાનોને ખાતરી આપી પેનલ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. મોતનું સાચું કારણ બહાર આવે ત્યાં સુધી ધીરજ રાખવા કહ્યું હતું.


