તહેવાર અનુસાર વિવિધ નાસ્તા અને ખાનપાનની ચિજ વસ્તુઓના વેચાણ થકી આવક મેળવી આત્મનિર્ભર બનતી સખી મંડળની બહેનો

દરેક મહિલાઓને નાનામોટા ગૃહ ઉદ્યોગ કે વેપાર શરૂ કરવાની અપીલ કરતા કૃપા સખી મંડળના પ્રમુખ જયશ્રીબેન ચૌહાણ

MailVadodara.com - The-sisters-of-Sakhi-Mandal-earn-income-by-selling-various-snacks-and-food-items-according-to-the-festival-and-become-self-reliant

તહેવારોની ભૂમિ ભારતમાં દર મહિને કોઇને કોઇ તહેવારો આવે છે. અને આ તહેવારો સાથે ચોક્ક્સ પ્રકારના ખાદ્ય અને વ્યંજનોનો સ્વાદ પણ તેટલા જ ઉત્સાહ સાથે લેવામાં આવે છે. નાના ઉદ્યોગો અને ઘરઆધારિત વ્યવસાય માટે આ તહેવારો સોનેરી તક સમાન છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ માટે આ તહેવારો આવક મેળવી આત્મનિર્ભર બનવાનો માર્ગ સાબિત થઈ રહ્યા છે.


ગુજરાત સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત અમલમાં આવેલી જી.એલ.પી.સી. યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો આજે મહિલાઓના આર્થિક સશક્તિકરણનું મજબૂત માધ્યમ બની રહ્યા છે. ગૃહઉદ્યોગ, કૌશલ્ય વિકાસ અને નાણાકીય સહાય દ્વારા મહિલાઓને રોજગાર સાથે જોડીને તેમને સ્વાવલંબન તરફ દોરી જવામાં આવી રહી છે.


વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામનું કૃપા સખી મંડળ પણ તહેવારો અનુસાર નાસ્તા અને ફરસણ બનાવે છે અને ઘર પરીવારની જવાબદારીઓ સાથે વધારાની આવક મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે. ૧૦ બહેનોનો આ જૂથ છેલ્લા છ વર્ષથી કાર્યરત છે. સરકારશ્રી તરફથી ૬ લાખ રૂપિયાની કેશ ક્રેડિટ લોન મેળવી તેમણે ગૃહઉદ્યોગની શરૂઆત કરી હતી. સાથે સાથે દર મહિને ૨૦૦ રૂપિયાની બચત પણ કરે છે.


કૃપા સખી મંડળના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન શૈલેષભાઈ ચૌહાણ જણાવે છે કે,મહિલાઓએ પગભર બનવા માટે ગૃહ ઉદ્યોગ શરૂ કરવો જોઇએ. અમને સરકારશ્રી તરફથી સ્વસહાય જૂથોની રચના બાદ ૬ લાખની કેશ ક્રેડિટ લોન મળી છે જેના થકી અમે સૌ બહેનો કોઇને કોઇ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે આ સિવાય અમે નાસ્તા અને ફરસાણનો ઉદ્યોગ ચલાવીએ છીએ. ઓર્ડર અનુસાર તાજો, સ્વચ્છ, સ્વાદિષ્ટ નાસ્તો બનાવીએ છીએ જેથી ગ્રાહકો ઘર બેઠા ઓર્ડર લઇ જાય છે.


આ મહિને હોળીના તહેવાર નિમિત્તે ૧૦ કિલો ઘઉંની સેવના ઓર્ડરને અમે કિલોના ૨૪૦ રૂપિયા મુજ્બ પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત થેપલા, ફરસીપુરી, સક્કરપારા અને મેથીપુરી જેવા વિવિધ નાસ્તાના ઓર્ડરો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. તહેવાર અનુસાર ઉત્પાદનોમાં વિવિધતા લાવી બહેનો વધારાની આવક મેળવી રહી છે.


માત્ર સરકારી સહાય જ નહીં, પરંતુ વડોદરાની જાણીતી Apollo કંપની દ્વારા પણ ગૃહઉદ્યોગ માટે તાલીમ અને સાધન સામગ્રી પૂરી પાડીને મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સખી મંડળો થકી આજે અનેક બહેનો પોતાની કમાણીથી પરિવારનું સંચાલન કરી રહી છે અને સમાજમાં આગવું સ્થાન બનાવી રહી છે. 

Share :

Leave a Comments