- 12 વર્ષનો દીકરો મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે બાળકથી ક્લિક થયા બાદ ફોન હેંગ થઇ ગયો, ફોન રીસ્ટાર્ટ કરતાં 7 મિનિટમાં બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી પૈસા ઉપડી ગયા
ટેકનોલોજીના આ યુગમાં સાયબર ક્રિમિનલ હવે ગૂગલ જેવા જ દેખાતા ફેક નોટિફિકેશન દ્વારા લોકોના બેંક એકાઉન્ટ સુધી પહોંચ મેળવી રહ્યા છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતા ભાવેશ સોનાર આ પ્રકારના સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. જેમાં તેમના ફોનમાં સીધું જ ગૂગલ પ્લે સ્ટોર અપડેટ નોટિફિકેશન આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભાવેશભાઈ નાઇટ શિફ્ટ જોબ પરથી ઘરે આવી આરામ કરી રહ્યા હતા. ત્યારે તેમનો 12 વર્ષનો દીકરો મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન ગૂગલ પ્લે સ્ટોર અપડેટ માટેનું પોપ અપ નોટિફિકેશન આવ્યું હતું. બાળકે અપડેટ પર ક્લિક કરતા ફોન હેંગ થઈ ગયો હતો. ત્યારબાદ ફોન રીસ્ટાર્ટ કરતા બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 43,000 ડેબિટ થયાના SMS મળ્યા હતા.
બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા UPI મારફતે 23,000 ફિલિંગ સ્ટેશન ખાતે અને 20,000 અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું. માત્ર 7 મિનિટમાં રૂપિયા ડેબિટ થતા સાયબર ફ્રોડ થયાનું લાગતા ભાવેશભાઈએ સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીનો સંપર્ક કર્યો હતો.પ્રાથમિક ટેકનિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગૂગલ અપડેટ તરીકે દેખાતું નોટિફિકેશન એક ફેક ઇન્ટરફેસ હતું. જેના પર ક્લિક કરતા ફોનમાં RAT Malware ધરાવતી APK ફાઇલ ઇન્સ્ટોલ થઈ હતી. આ Malware દ્વારા ક્રિમિનલ ફોનનો રીમોટ એક્સેસ મેળવી બેન્કિંગ અને UPI એપનો દુરુપયોગ કરી શકે છે. ટેકનિકલ ગાઈડન્સ મુજબ પીડિત દ્વારા તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી પેમેન્ટ બ્લોક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.


