વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતાં મામલો ગરમાયો, વાલીએ આક્રોશમાં સ્ટાફરૂમમાં જ શિક્ષકને લાફો ઝીંકી દેતા ફરિયાદ

માંજલપુરમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં બનેલી સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

MailVadodara.com - The-matter-heated-up-after-the-teacher-slapped-the-student-the-parent-in-anger-slapped-the-teacher-in-the-staff-room-and-filed-a-complaint

- ધો.9ના વિદ્યાર્થીને ડ્રોઇંગના વિષયમાં મેઝરમેન્ટ બાબતે શિક્ષકે લાફો મારી દીધો હતો

- બંનેએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી, ટ્રસ્ટી દ્વારા તપાસના આદેશ

વડોદરા શહેરમાં ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સાથે થતી હેરાનગતિના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. આજે માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતાં મામલો ગરમાયો હતો. એ બાદ બાળકે ઘરે જઈને મામલો જણાવતાં આક્રોશમાં આવેલા વાલીએ સ્કૂલના સ્ટાફરૂમમાં જ શિક્ષકને લાફો ઝીંકી દીધો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે હાલ વાઇરલ થઈ રહ્યા છે. હાલ બંનેએ સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ડ્રોઇંગના વિષયમાં મેઝરમેન્ટ બાબતે શિક્ષકે લાફો મારી દીધો હતો. વિદ્યાર્થીએ ઘરે જઈને આ વાત તેના વાલીને કરી હતી. આ બાબતે વાલી આવેશમાં આવી ગયા અને તાત્કાલિક સ્કૂલે પહોંચ્યા હતા. વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે સવારે સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે તમારા બાળકને લાફો માર્યો છે તો તમે સ્કૂલમાં મળવા માટે આવો. અમે સ્કૂલમાં પહોંચ્યા ત્યાર બાદ અમને ઓફિસમાંથી ઉપર સ્ટાફ રૂમમાં મોકલવામાં આવ્યા હતા.


માતાના જણાવ્યા મુજબ, સ્ટાફ રૂમમાં જતાં જ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો મારવામાં આવ્યો હતો. આ જોઈને વિદ્યાર્થીના પિતાએ આવેશમાં આવીને સ્ટાફ રૂમમાં જ તે શિક્ષકને લાફો ઝીંકી દીધો હતો, જેના પગલે હાથપાઈ શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થીની માતાએ આક્ષેપ કર્યો કે ત્યાર બાદ બધા જ સર અને મેડમો મારા પતિ પર ગુંડાની જેમ હાવી થઈ ગયા હતા. બધાએ તેમની ગરદન અને નખ માર્યા હતા, મને વીડિયો લેવા દેતા નહોતા અને કેબિન બંધ કરી દીધી હતી.

વિદ્યાર્થીએ પોતે પણ જણાવ્યું કે ડ્રોઈંગના પિરિયડમાં સરના હાથમાં ફૂટપટ્ટી હતી અને તેના ડરથી બધા હા કહી રહ્યા હતા. હું એકલો જ હતો કે મને આ બાબતે ખબર ન પડતાં મેં તેમને ના પાડી હતી. ત્યારે મને સરે કહ્યું હતું કે તમે બધા ધોરણ નવમાં કઈ રીતે આવી ગયા છો. તમને એક મેજરમેન્ટ સમજ નથી આવતી એવું કહીને મને સરે લાફો મારી દીધો હતો. લાફો માર્યા બાદ ત્રણવાર તેમના હાથમાં રહેલી ફૂટપટ્ટી મારી પીઠ પર મારી હતી.

આ સમગ્ર બનાવને લઈ મકરપુરા પોલીસ મથકમાં શિક્ષક અને વિદ્યાર્થીના વાલી બંનેએ સામસામે ફરિયાદ નોંધાવી છે. શ્રેયસ વિદ્યાલયના ટ્રસ્ટી પંકજ જાણીએ જણાવ્યું હતું કે સ્કૂલની અંદર સ્ટાફ રૂમમાં વાલીએ આવીને શિક્ષકને લાફો માર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ બાબતે અમે તપાસ કરતાં શિક્ષકે વિદ્યાર્થીને ડ્રોઈંગ બાબતે જ ક્લાસરૂમમાં લાફો માર્યો હતો. આ બાબતે અમે આચાર્યને જાણ કરી છે અને જે હોય એ બાબતે તપાસ કરીશું.

Share :

Leave a Comments