સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ઘણા સમયથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર આજે સાંજે શાંત પડી જશે

આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે

MailVadodara.com - The-long-running-election-campaign-for-the-local-government-elections-will-come-to-a-halt-this-evening

- ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પ્રસાર કરી શકાતો નથી, જેના પગલે હવે ઉમેદવારો કે પક્ષો લાઉડસ્પીકર, રેલીઓ કે મોટી સભાઓ ગજવી શકશે નહીં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર આજે સાંજે વિધિવત રીતે શાંત પડી જશે. જાહેર પ્રચાર પર પ્રતિબંધ આવતાની સાથે જ હવે રાજકીય પક્ષોના ભોંગળાઓ અને જાહેર સભાઓનો ઘોંઘાટ થંભી જશે. ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પ્રસાર કરી શકાતો નથી, જેના પગલે હવે ઉમેદવારો કે પક્ષો લાઉડસ્પીકર, રેલીઓ કે મોટી સભાઓ ગજવી શકશે નહીં.

પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ રાજકીય ગરમાવો ઘટવાને બદલે હવે આંતરિક વ્યૂહરચનાઓ તેજ બનશે. દિગ્ગજ નેતાઓ અને સ્થાનિક આગેવાનો હવે છેલ્લી ઘડીના મતદારોને રીઝવવા માટે ખાટલા બેઠકો અને ઓટલા બેઠકોનો સહારો લેશે. આ ગુપ્ત બેઠકોમાં મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કેવી રીતે કરાવવું અને વિરોધીઓના ગઢમાં કેવી રીતે ગાબડું પાડવું તેની અંતિમ રણનીતિ નક્કી કરવામાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના મહોલ્લાઓમાં હવે વ્યક્તિગત સંપર્ક પર વધુ ભાર મૂકવામાં આવશે.

વહીવટી તંત્ર પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પ્રચાર શાંત થયા બાદ તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સામગ્રીની ફાળવણી કરી દેવામાં આવશે. આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ સતત કાર્યરત રહેશે.

હવે સૌની નજર મતદાનના દિવસ પર છે, જ્યાં જનતા જનાર્દન પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આ વખતે ગરમીનો પારો ખુબ ઊંચો ચઢ્યો છે મતદાનના દિવસે પણ આકરી ગરમી પાડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ મતદાન થાય તે માટે વિવિધ પક્ષો અને તંત્રએ પણ મહેનત વધારી છે. 26 તારીખે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે.

Share :

Leave a Comments