મકરસંક્રાંતિ નિમિત્તે તલના લાડુ અને ચિક્કીની વધતી માંગથી સખી મંડળોને આર્થિક સશક્તિ

વડોદરા જિલ્લામાં મહિલા સશક્તિકરણમાં સખી મંડળોનું મહત્વપૂર્ણ યોગદાન

MailVadodara.com - The-increasing-demand-for-sesame-laddus-and-chikki-on-the-occasion-of-Makar-Sankranti-has-given-financial-strength-to-Sakhi-Mandals

- મકરસંક્રાંતિ નિમિત્તે તલ,માવા,મમરાના લાડુ-ચિક્કી, અને માલપુડાના આશરે  ૧૦ કિલોના ઓર્ડર પૂર્ણ કરી ફક્ત બે દિવસમાં ૧૦ હજારની આવક મેળવી


વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત કાર્યરત સખી મંડળો આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. વડોદરા જિલ્લાના અનગઢ ગામ ખાતે કાર્યરત ગજલક્ષ્મી સખી મંડળ દ્વારા તહેવારો દરમિયાન સ્વરોજગારીના માધ્યમથી નોંધપાત્ર આવક મેળવી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.


ગજલક્ષ્મી સખી મંડળમાં અનગઢ ગામની ૧૪ બહેનો જોડાયેલી છે. જે દર મહિને ૫૦૦ રૂપિયાની નિયમિત બચત પણ કરે છે. આ સાથે મંડળને ૧.૫ લાખ રૂપિયાની લોન પ્રાપ્ત થઈ છે, જેના આધારે બહેનો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે.


તહેવારો દરમિયાન મંડળ દ્વારા વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવાના ઓર્ડરો લેવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે તલ અને માવાના લાડુ-ચિક્કી, મમરાના લાડુ તથા માલપુડાના આશરે ૧૦ કિલોના ઓર્ડર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે બહેનોએ ફક્ત બે જ દિવસમાં રૂ. ૧૦,૦૦૦ની આવક પ્રાપ્ત થઈ છે. જેનાથી મહિલાઓ ખુશખુશાલ છે. 

આ ઉપરાંત, તહેવારો દરમિયાન ખજુરના લાડુ, સુખડી, ઉંધીયું તેમજ જમણવારના ઓર્ડરો પણ લેવામાં આવે છે, જેનાથી મંડળની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.


ગજલક્ષ્મી સખી મંડળના પ્રમુખ મહેશ્વરી સિસોદ્યાએ સરકાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સખી મંડળના માધ્યમથી અમે આત્મનિર્ભર બન્યા છીએ. તહેવારો દરમિયાન મીઠાઈઓ અને વાનગીઓના ઓર્ડરો લઈ સારી આવક મેળવી ઘર  પરિવારની સાથે જ રહી આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે જે અમારા માટે ખુબ મોટી વાત છે.

નાના મોટા અનેક વ્યવસાયો અને ગૃહ ઉદ્યોગ થકી સખી મંડળો આજે મહિલાઓને સ્વાવલંબી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂત કરી રહ્યા છે. સખી મંડળો ગૃહ ઉદ્યોગ અને મહિલાઓ બન્નેના નોંધપાત્ર વિકાસમાં ભાગીદાર બન્યા છે.

Share :

Leave a Comments