ચપ્પાથી હુમલાનો દાવો કરનાર યુવતીએ પ્રેમી સાથેના સંબંધ છુપાવવા ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું

વાઘોડિયા રોડ હુમલા કેસમાં ટ્વિસ્ટ, 4 વર્ષનો પ્રેમ સંબંધ છુપાવવા યુવતીએ હુમલાનું રચ્યું તરકટ

MailVadodara.com - The-girl-who-claimed-to-have-been-attacked-with-a-chappa-was-revealed-to-have-conspired-to-hide-her-relationship-with-her-lover

- પરિવારને પ્રેમની જાણ થતા વિદ્યાર્થિનીએ હુમલાની ખોટી સ્ટોરી બનાવી હતી, ઘરેથી ફિનાઈલ લઈ ગઈ, રસ્તામાં ચપ્પુ ખરીદી હુમલાની બનાવટી કહાની ઉભી કરી હતી

- સીસીટીવીમાં કોઈ હુમલાખોર ન દેખાતા પોલીસને શંકા ગઈ, પાણીગેટ પોલીસે યુવતીની સઘન પૂછપરછ કરતા હુમલાની આખી વાર્તા ખોટી હોવાનું સામે આવ્યું

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પાસે બુધવારે બપોરે બનેલી 'હુમલા'ની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. બે અજાણ્યા બાઈક સવારોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ માર્યા હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે સીસીટીવી અને સઘન પૂછપરછના આધારે શોધી કાઢ્યું છે કે, યુવતીએ પોતાના 4 વર્ષના પ્રેમ સંબંધનો ભાંડો ન ફૂટે તે માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેણીએ જ ચપ્પુ ખરીદ્યું હતું અને ઘરેથી લાવેલું ફિનાઈલ પી પરિવાર-પોલીસ સામે હુમલાની સ્ટોરી ઘડી હતી.

વિદ્યાર્થિની છેલ્લા 15 દિવસથી ઉમા ચાર રસ્તા નજીક આવેલા કમ્પ્યુટર ક્લાસમાં જતી હતી. 6 એપ્રિલના રોજ ક્લાસમાંથી છૂટીને તેણે તેના કાકાને ફોન કરીને જણાવ્યું કે, મને અજાણ્યા યુવકોએ કંઈ પીવડાવી દીધું છે અને મારી ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો, જેથી તેના કાકા તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા અને 108 દ્વારા તેણીને સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી.


ઘટનાની જાણ પાણીગેટ પોલીસને કરતા પોલીસે પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને યુવતીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીએ કહ્યું કે, 2 યુવકો બાઈક પર આવ્યા હતા, જેમાં એક યુવકે કાળા રંગનું ટીશર્ટ પહેર્યું હતું અને તેની એક આંખ કાળી હતી. ઘટના જોતા લોકો પણ ચોંકી ગયા હતા કે, આ વિદ્યાર્થિનીને ઝેરી પ્રવાહી પીવડાવી કોઈ અજાણ્યા યુવકોએ ચાકુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા જોઈ પાણીગેટ પોલીસે તપાસ તેજ કરી હતી. પાણીગેટ પોલીસના પીઆઈ એ.બી. પટેલે જ્યારે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે યુવતીએ વર્ણવેલ આવું કોઈ જ દ્રશ્ય કે શંકાસ્પદ યુવકો દેખાયા નહોતા. આથી પોલીસને વિદ્યાર્થિની પર શંકા ગઈ અને અંતિમ તપાસમાં સત્ય બહાર આવ્યું.


સમગ્ર ઘટના અંગે તપાસ અધિકારીએ જણાવ્યું કે, આ વિદ્યાર્થિનીને ધોરણ 10માં પોતાની સાથે અભ્યાસ કરતા મિત્ર સાથે મિત્રતા થઈ હતી. જે પોતાના જ મહોલ્લામાં રહેતો હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત થતી રહેતી હતી. બાદમાં તેઓ એક બીજાના ફોટો સહિત અન્ય બાબતો શેર કરતા હતા. ધીરે-ધીરે બંને વચ્ચેની મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.

આ વિદ્યાર્થિની સ્થિતિ પ્રમાણે પરિવારમાં એક જ મોબાઈલ હતો, જેમાંથી તે પોતાના પ્રેમી સાથે વાત કરતી હતી. સોશિયલ મીડિયા પર આ વિદ્યાર્થિની જ્યારે મેસેજ કરે, તે સમયે જ સામેથી યુવક રિપ્લાય આપતો હતી. જો કે, એક દિવસ એવું બન્યું કે આ યુવતીએ મેસેજ કર્યા, પરંતુ યુવકે રિપ્લાય લેટ આપતા યુવતીની માતને વાતની જાણ થઈ ગઈ હતી.


પોતાના 4 વર્ષથી ચાલતા પ્રેમ પ્રકરણની જાણ પરિવારને થઈ જશે તેવા ડરથી વિદ્યાર્થિનીએ નાટક શરૂ કર્યું હતું. પોતે કઈ જાણતી ન હોય તે રીતે તે ટ્યુશનમાં જવા નીકળે છે અને ઘરેથી એક ડબ્બીમાં ફિનાઇલ ભરીને સાથે લઈ જાય છે. બાદમાં તે પાણીગેટ વિસ્તારમાંથી દુકાન પરથી એક ચપ્પુ ખરીદે છે. કમ્પ્યુટર ક્લાસથી છૂટીને તેણે કાકાને ફોન કરી કહ્યું કે 'મને કોઈએ કંઈક પીવડાવી દીધું છે અને ચપ્પાથી હુમલો કર્યો છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેના કાકા સ્થળે પહોંચ્યાં હતાં, તેણીને સારવારમાં ખસેડી હતી.

પૂછપરછમાં વિદ્યાર્થિનીએ પોતે તમામ વાતથી અજાણ હોય તેમ કોઈ અજાણ્યો યુવક હેરાન કરતો હોવાનું જણાવી પરિવાર અને પોલીસને ગોળ-ગોળ ફેરવ્યા હતાં. હોસ્પિટલમાં પણ તેણે સારવારના બહાને પોલીસની પૂછપરછ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આખરે પ્રેમનો ભાંડો ફૂટી જતાં સત્ય સામે આવ્યું છે.

Share :

Leave a Comments