- 21 વેપારીઓનું છેલ્લા 15 વર્ષથી 1.50 કરોડનું ભાડું બાકી હતું, વેપારીઓએ કાર્યવાહી ન કરવા અને વધુ સમય આપવા રજૂઆત કરતા કોર્પોરેશને મુદ્દત આપવાનો ઇન્કાર કરી દીધો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોગલવાડા સ્થિત મટન માર્કેટને સીલ કરી દીધું છે, કારણ કે 21 વેપારીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી રૂપિયા 1.50 કરોડનું ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું. કોર્પોરેશન દ્વારા અનેક વખત નોટિસ આપવા છતાં બાકી ભાડું ન ભરાતા આખરે સીલ મારવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા કોર્પોરેશન દ્વારા મોગલવાડામાં એક જ સ્થળે વેપારીઓ મટનનો વેપાર કરી શકે તે હેતુથી ઓટલા બનાવવામાં આવ્યા હતા અને 21 વેપારીઓને ભાડાપટ્ટે આપવામાં આવ્યા હતા. જોકે, આ વેપારીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી ભાડું ચૂકવવામાં આવતું ન હતું. કોર્પોરેશન દ્વારા અનેક વખત બાકી ભાડું ચૂકવવા માટે નોટિસો આપવામાં આવી હતી, છતાં ભાડું ભરવામાં આવ્યું ન હતું. એક વેપારી દીઠ આશરે 1 લાખ જેટલી રકમ મળીને કુલ 1.50 કરોડ જેટલી રકમ બાકી હતી.

માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડો. વિજય પંચાલ દબાણ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચતા જ વેપારીઓ તેમજ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. એક તબક્કે વેપારીઓએ કાર્યવાહી ન કરવા અને વધુ સમય આપવા માટે રજૂઆત કરી હતી. જોકે, કોર્પોરેશન દ્વારા મુદત આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો અને ઓટલાની જગ્યાના ચારે બાજુના જાળીના દરવાજા સીલ કરી દેવામાં આવ્યા હતા. સીલની કાર્યવાહી પૂર્વે વેપારીઓએ પોતાનો સામાન બહાર કાઢવા માટે દોડધામ કરી મૂકી હતી.

માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, `તમામ વેપારીઓ આજ દિન સુધીનું પૂરેપૂરું ભાડું ભરશે તો જ મટન માર્કેટનું સીલ વેપાર ધંધા માટે ખોલી આપવામાં આવશે. વેપારીઓને અનેક વખત તક આપવામાં આવી છે, પરંતુ વેપારીઓએ ઊંઘ ન ઉડાડતા આખરે સીલ મારવાની કાર્યવાહી કરવાની ફરજ પડી છે.



