- સમતા વિસ્તારમાં આવેલી સોસાયટીના મંદિરમાં ભગવાનની આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી પાછળથી આવી સોનાની ચેન તોડીને ફરાર
- લાલબાગ જૈન દેરાસર ખાતે પ્રવચન સાંભળીને પરત આવી રહેલા વૃદ્ધાના ગળામાંથી ગઠિયો સોનાની ચેન તોડી બાઇક લઈને રફુચક્કર થઈ ગયો

વડોદરા શહેરમાં ચેન સ્નેચર ગેંગનો આતંક ફરી વધ્યો છે. જેમાં આ અછોડાતોડ ગેંગ પૈકીના એક ગઠીયાએ સમતા વિસ્તારમાં આવેલી સોસાયટીના મંદિરમાં ભગવાનની આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી પાછળથી આવી સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી આ ગઠિયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા બનાવમાં શહેરના લાલબાગ જૈન દેરાસર ખાતે પ્રવચન સાંભળીને પરત આવી રહેલા વૃદ્ધાના ગળામાંથી ગઠિયો સોનાની ચેન તોડી બાઇક લઈને રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે આ બંને બનાવમાં અછોડાતોડ ગઠીયાની શોધખોળ શરૂ કરી છે. આ બનાવ પરથી સ્પષ્ટ કહી શકાય કે શહેરમાં અવાર નવાર આ પ્રકારના બનાવો સામે આવે છે ત્યારે પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.


વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા તે આવેલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ મંદિરમાં બેસીને ભગવાનની આરાધના કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિરના ગેટમાંથી એક ગઠીયો અંદર પ્રવેશ્યો હતો અને પાછળથી વૃદ્ધાના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગઠીયાની શોધખોળ શરૂ કરી છે.

બીજા બનાવવામાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સીતાબાગ સોસાયટીમાં રહેતા અંજુબેન શાહ (ઉવ.75) તેમના પતિ નવનિતભાઈ સાથે કારમાં બેસી ઘરેથી લાલબાગ જૈન દેરાસર ખાતે દર્શન કરવા તથા પ્રવચન સાંભળવા અર્થે ગયા હતા. પતિ તેમને દેરાસર ખાતે છોડીને નીકળી ગયા હતા. ત્યારબાદ પ્રવચન પુરૂ કરી તેઓ પરત ચાલીને ઘરે આવતા હતા. તે દરમિયાન સીતાબાગ સોસાયટીના નાકા પર અજાણ્યો શખ્સ બાઇક ઉપર પાછળથી આવી તેમને નીચે પાડી દિધા બાદ અને ગળામાં દોઢ તોલાની સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો. વૃદ્ધાએ બુમરાણ મચાવી હોવા છતાં આ ગઠિયો હાથમાં આવ્યો ન હતો. માંજલપુર પોલીસે ગઠીયાની શોધખોળ શરૂ કરી છે.


